વૃદ્ધાને ગૂંગળાવીને મારી નાખ્યા પછી દાગીના ચોર્યા: બે સગીર પકડાયા

થાણે: વૃદ્ધાને ગૂંગળાવીને મારી નાખ્યા બાદ દાગીના ચોરવાની રાયગડ જિલ્લામાં બનેલી ઘટનામાં પોલીસે બે સગીરને પકડી પાડ્યા હતા.
પોલીસના જણાવ્યા મુજબ ઘટના 24 જુલાઈના રોજ મ્હસળા તાલુકાના કાનઘર ગામમાં બની હતી. 76 વર્ષની સેવંતાબાઈ રાણેની હત્યાના આરોપસર 16 અને 17 વર્ષના બે સગીરને શનિવારે તાબામાં લેવાયા હતા.
બન્ને સગીર ટીવી રિપેર કરવાને બહાને વૃદ્ધાના ઘરે આવ્યા હતા. એક સગીરે વૃદ્ધાને પકડી રાખી હતી, જ્યારે બીજાએ મોં અને નાક દબાવીને વૃદ્ધાને ગૂંગળાવી મારી હતી. હત્યા બાદ બન્ને વૃદ્ધાની સોનાની ઈયરિંગ્સ ચોરી ફરાર થઈ ગયા હતા.
પોલીસના જણાવ્યા મુજબ વૃદ્ધા ઘરમાં એકલી રહેતી હતી. બેભાન અવસ્થામાં હૉસ્પિટલે લઈ જવાયેલી વૃદ્ધાને તબીબે મૃત જાહેર કરી હતી.
આપણ વાંચો: ઑનલાઈન ગેમ રમવા સાવકી માતાની હત્યા કરી સોનાના દાગીના ચોર્યા…
આ પ્રકરણે રાણેના પુત્રની ફરિયાદને આધારે મ્હસળા પોલીસે હત્યા અને લૂંટનો ગુનો નોંધ્યો હતો. તપાસ બાદ પોલીસે પકડી પાડેલા બન્ને સગીરને કર્જતના રિમાન્ડ હોમમાં મોકલી દેવાયા હતા. પોલીસ વધુ તપાસ કરી રહી છે. (પીટીઆઈ)