આમચી મુંબઈમહારાષ્ટ્ર

બોરીવલીમાં કેમિકલ ટૅન્કરે સ્કૂટરને ટક્કર મારતાં યુવતી સહિત બેનાં મોત

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ:
કેમિકલ ટૅન્કરે સ્કૂટરને ટક્કર મારતાં ભાયંદરમાં રહેતી યુવતી સહિત બે જણનાં મોત નીપજ્યાં હોવાની ઘટના બોરીવલીમાં બની હતી. અકસ્માત બાદ ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયેલો ટૅન્કર ડ્રાઈવરે બાદમાં પોલીસ સમક્ષ સમર્પણ કર્યું હતું.

કસ્તુરબા માર્ગ પોલીસના જણાવ્યા મુજબ ઘટના બોરીવલી પૂર્વમાં વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે સ્થિત નૅશનલ પાર્ક સામેના બ્રિજ પર રવિવારની બપોરે બની હતી. ધરપકડ કરાયેલા ટૅન્કર ડ્રાઈવરની ઓળખ અજમલ હુસેન અન્સારી (42) તરીકે થઈ હતી.

ભાયંદર પૂર્વના નવઘર રોડ ખાતે રહેતો રાહુલ કૃષ્ણન (25) અને તેની ફ્રેન્ડ જયા પાંડે (24) પાંડેની ફ્રેન્ડ માટે કપડાં ખરીદવા બોરીવલીની માર્કેટમાં ગયાં હતાં. તેમનું સ્કૂટર બોરીવલીમાં નૅશનલ પાર્ક સામેના બ્રિજ પર પહોંચ્યું ત્યારે પાછળથી પૂરપાટ વેગે આવેલા ટૅન્કરે સ્કૂટરને ટક્કર મારી હતી.

આ પણ વાંચો: બોરીવલીમાં રૂ. 1.12 કરોડના ડ્રગ્સ સાથે બે જણ પકડાયા

દરમિયાન અન્ય વાહનચાલકોએ ત્યાંથી પસાર થનારી એમ્બ્યુલન્સને રોકી હતી. ગંભીર જખમી કૃષ્ણન અને પાંડેને મીરા રોડની ખાનગી હૉસ્પિટલમાં લઈ જવાયાં હતાં, જ્યાં તબીબે તેમને મૃત જાહેર કર્યાં હતાં. પોલીસે બન્નેના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ભાયંદરની જનરલ હૉસ્પિટલમાં ખસેડ્યા હતા.

પોલીસના જણાવ્યા મુજબ ઘટનાસ્થળેથી કોઈ હેલ્મેટ મળી નહોતી. એકઠા થયેલા લોકોના ગુસ્સાથી ડરી ડ્રાઈવર અન્સારી ટૅન્કર રસ્તાને કિનારે પાર્ક કરી પલાયન કરી ગયો હતો. ચેમ્બુરના વાશી નાકા ખાતે રહેતો અન્સારી બાદમાં ટૅન્કરના માલિક સાથે પોલીસ સમક્ષ હાજર થયો હતો. પોલીસે ગુનો નોંધી ડ્રાઈવરની ધરપકડ કરી હતી.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button