ઑનલાઇન ટાસ્કને નામે છેતરપિંડી આચરવા બદલ બે ગુજરાતીની ગાંધીનગરથી ધરપકડ
ગુના આચરવા વાપરેલા 20 બેન્ક ખાતાંમાં રૂ. 60 કરોડના વ્યવહાર થયા
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: ઑનલાઇન પાર્ટ-ટાઇમ જોબનો મેસેજ મોકલ્યા બાદ ટાસ્ક પૂરા કરી સારું વળતર મેળવવાની લાલચ આપીને છેતરપિંડી આચરવા બદલ માટુંગા પોલીસે ગાંધીનગરથી બે ગુજરાતીની ધરપકડ કરી હતી.
બંને જણની ઓળખ રૂપેશ પ્રવીણકુમાર ઠક્કર (33) અને પંકજભાઇ ગોર્ધનભાઇ ઓડ (34) તરીકે થઇ હોઇ તેમની પાસેથી 33 ડેબિટ-ક્રેડિટ કાર્ડ, 32 પાસબૂક, 28 સિમકાર્ડ તથા છ મોબાઇલ જપ્ત કરાયાં હતાં. પોલીસને તપાસમાં જાણવા મળ્યું હતું કે ગુના આચરવા માટે વાપરેલા 20 બેન્ક ખાતાંમાં રૂ. 60 કરોડના વ્યવહાર થયા હતા.
માટુંગા પૂર્વમાં આવેલી હોસ્ટેલમાં રહેતા ક્રિશ હુકુમચંદ વર્મા (19) નામના યુવકના મોબાઇલ પર 28 ઑક્ટોબરે અજાણ્યા નંબર પરથી ઑનલાઇન પાર્ટ-ટાઇમ જોબ માટેનો મેસેજ આવ્યો હતો. ક્રિશ આ માટે તૈયાર થતાં તેને ટાસ્ક અને પેમેન્ટ માટે ટેલિગ્રામ ઍપ પરના ટાસ્ક ગ્રૂપમાં જોડાવાનું કહેવામાં આવ્યું હતું.
શરૂઆતમાં તેને અમુક ટાસ્ક પૂરા કરવાનું કહી સારું વળતર આપવામાં આવ્યું હતું. ક્રિશનો વિશ્ર્વાસ સંપાદન કર્યા બાદ સારા વળતરની લાલચ આપીને વિવિધ બેન્ક ખાતામાં પૈસા ભરવા માટે ફરજ પાડવામાં આવી હતી. આમ ક્રિશ સાથે રૂ. 2.45 લાખની છેતરપિંડી કરાતાં તેણે માટુંગા પોલીસ સ્ટેશનમાં 4 નવેમ્બરે ફરિયાદ નોંધાવી હતી, જેને આધારે પોલીસે ગુનો દાખલ કરીને તપાસ આદરી હતી.
દરમિયાન છેતરપિંડી આચરવા માટે જે બેન્ક ખાતાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો તેની તપાસ કરાઇ હતી. પોલીસે બાદમાં ટેક્નિકલ બાબતોનો અભ્યાસ કરીને ગુનામાં સંડોવાયેલા બે આરોપીને ગાંધીનગરથી ઝડપી પાડ્યા હતા. ક્રિશને છેતરીને પડાવેલા રૂપિયા વિવિધ બેન્કના 20 ખાતાંમાં ટ્રાન્સફર થયા હોવાનું તપાસમાં જણાયું હતું. આ બેન્ક ખાતાંની વિગતો ચકાસવામાં આવતાં તેમાં બેથી ત્રણ મહિનામાં રૂ. 60 કરોડના વ્યવહાર થયા હોવાનું જણાયું હતું. પોલીસે અત્યાર સુધી રૂ. 1.10 કરોડ પોલીસે જપ્ત કર્યા હતા.