ફૂડ ડિલિવરી એજન્ટ સહિત બેની ધરપકડ: ચાર કરોડનું મેફેડ્રોન જપ્ત

થાણે: થાણે પોલીસે બે અલગ અલગ કેસમાં ડ્રગ્સ તસ્કરી સાથે કથિત રીતે સંડોવાયેલા ફૂડ ડિલિવરી એજન્ટ સહિત બેની ધરપકડ કરી અંદાજે ચાર કરોડ રૂપિયાનું મેફેડ્રોન (એમડી) જપ્ત કર્યું હતું.
ડેપ્યુટી પોલીસ કમિશનર (ક્રાઈમ) અમરસિંહ જાધવે જણાવ્યું હતું કે રાયગડ જિલ્લાના ઉલવે ખાતે પહેલું ઑપરેશન હાથ ધરી ઈરફાન અમાનુલ્લાહ શેખ (36)ને પકડી પાડવામાં આવ્યો હતો. જાણીતી કંપનીમાં ફૂડ ડિલિવરી એજન્ટ તરીકે કામ કરતા શેખ પાસેથી અંદાજે ત્રણ કરોડથી વધુ રૂપિયાનું 1.530 કિલો એમડી મળી આવ્યું હતું.
અધિકારીના જણાવ્યા મુજબ એન્ટિ-નાર્કોટિક્સ સ્ક્વોડને રવિવારે મળેલી માહિતીને આધારે દીવા ગામ નજીકના માર્ગ પર છટકું ગોઠવવામાં આવ્યું હતું. સાંજે 5.50 વાગ્યે આવેલા આરોપીને તાબામાં લેવાયો હતો. તેની પાસેથી જપ્ત કરાયું ડ્રગ તે વેચવાને ઇરાદે લાવ્યો હતો. આરોપી વિરુદ્ધ શિળ ડાયઘર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો હતો.
બીજા કેસમાં ક્રાઈમ બ્રાન્ચ યુનિટ-1ના અધિકારીઓએ ભિવંડી-મુંબઈ ચૅનલ રોડ પર કલવા નજીક છટકું ગોઠવી શાહરુખ સત્તાર મેવાસી ઉર્ફે રિઝવાન (28)ને પકડી પાડ્યો હતો. મધ્ય પ્રદેશના મંદસૌરના વતની રિઝવાનના વાહનની તપાસ કરતાં અંદાજે 93 લાખ રૂપિયાનું એમડી મળી આવ્યું હતું.
આપણ વાંચો : શિવાજી પાર્કની ધૂળને સમસ્યાને દૂર કરવા આઈઆઈટીની મદદ લેવાશે: બીએમસી…
આરોપી રિઝવાન આંતરરાજ્ય ડ્રગ તસ્કરી સિન્ડિકેટનો સભ્ય હોવાનું પોલીસનું માનવું છે. કોર્ટે તેને છ દિવસની પોલીસ કસ્ટડી ફટકારી હતી. આરોપીએ કોની પાસેથી ડ્રગ પ્રાપ્ત કર્યું તેની તપાસ કરવામાં આવી રહી છે. (પીટીઆઈ)