ટ્રેનમાં પ્રવાસીની બૅગચોરનારા બે પકડાયા

થાણે: મુંબઈ-ગોંદિયા વિદર્ભ એક્સપ્રેસમાંથી પ્રવાસીની બૅગ કથિત રીતે ચોરી કરી ફરાર થયેલા બે આરોપીની કલ્યાણ રેલવે પોલીસે ધરપકડ કરી હતી.
કલ્યાણ રેલવે પોલીસ સ્ટેશનના સિનિયર ઈન્સ્પેક્ટર પંઢરી કાનડેએ જણાવ્યું હતું કે ઘટના સોમવારે થાણેથી કલ્યાણ સ્ટેશન વચ્ચે બની હતી. નાશિકમાં રહેતો ફરિયાદી મયૂર દિલીપ અમૃતકર (30) કામ નિમિત્તે થાણે આવ્યો હતો. કામ પત્યા પછી ફરી નાશિક જવા તે થાણેથી વિદર્ભ એક્સપ્રેસમાં બેઠો હતો.
મયૂરની રિઝર્વ સીટ સ્લીપર કોચ નંબર-પાંચમાં દરવાજા નજીકની હતી. તેણે રોકડ, કૅમેરા, લૅપટોપ અને અન્ય વસ્તુઓ ભરેલી બૅગ પોતાની સીટ પાસે રાખી હતી. જોકે થોડા સમય બાદ મયૂરની બૅગ ગુમ હોવાનું જણાયું હતું. ટ્રેન કલ્યાણ સ્ટેશને પહોંચી પછી તેણે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી સીસીટીવી કૅમેરાનાં ફૂટેજને આધારે આરોપીની ઓળખ મેળવી હતી. ફૂટેજ અને ટેક્નિકલ બાબતોનો અભ્યાસ કરી પોલીસે અઢી કલાકમાં બન્ને આરોપીને પકડી પાડ્યા હતા. તેમની પાસેથી ચોરેલી અંદાજે 1.65 લાખ રૂપિયાની મતા હસ્તગત કરવામાં આવી હોવાનું પોલીસે જણાવ્યું હતું. (પીટીઆઈ)
આપણ વાંચો: સુધરાઈના નિવૃત અધિકારીને પદ પર ચાલુ રાખવા સામે નારાજગી



