એટીએમ સેન્ટરોમાં સિનિયર સિટિઝનોને છેતરી તેમના રૂપિયા કાઢી લેનારા બે આરોપી પકડાયા
થાણે: નવી મુંબઈમાં એટીએમ સેન્ટરોમાં સિનિયર સિટિઝનોને ટાર્ગેટ કરીને મદદ કરવાને બહાને તેમના ખાતામાંથી રૂપિયા કાઢી લેનારા બે આરોપીને પોલીસે ઝડપી પાડી લોકઅપભેગા કરી દીધા હતા, એમ અધિકારીએ જણાવ્યું હતું.
નવી મુંબઈ અને થાણે જિલ્લાના વિવિધ વિસ્તારોમાં આ ઘટનાઓ બની હતી. ક્રાઇમ યુનિટ-2 (પનવેલ)ના અધિકારીઓએ ઝડપી પાડેલા બંને આરોપીની ઓળખ સયેન કમલુદ્દીન ખાન અને મોહંમદ શબાન ઇલિયાસ ખાન તરીકે થઇ હતી.
નવી મુંબઈના કામોઠે વિસ્તારમાં એટીએમ સેન્ટરમાં સિનિયર સિટિઝન સાથે રૂ. એક લાખની છેતરપિંડી આચરવામાં આવી હોવાની ફરિયાદ પોલીસને મળી હતી.
આપણ વાંચો: ગૅસ કટરથી એટીએમ ખોલવાના પ્રયાસમાં 21 લાખની રોકડ સળગીને રાખ થઈ ગઈ
પોલીસે ઘટનાસ્થળના સીસીટીવી કેમેરાના ફૂટેજ તપાસ્યા હતા, જેમાં શંકાસ્પદ ગતિવિધિ નજરે પડી હતી. પોલીસે શકમંદોના વાહનને ઓળખી કાઢ્યું હતું અને બાદમાં પોલીસ બંને આરોપીને પકડવામાં સફળ રહી હતી. પોલીસે આરોપીઓ પાસેથી 80 હજારની રોકડ અને કાર જપ્ત કરી હતી, એમ અધિકારીએ જણાવ્યું હતું.
આરોપીઓ એટીએમ સેન્ટરમાં સિનિયર સિટિઝનોને ટાર્ગેટ કરતા હતા અને રૂપિયા કઢાવવામાં મદદ કરવાને બહાને તેમને છેતરતા હતા. (પીટીઆઇ)