પ્રેમિકાના પતિની હત્યા કરનારા પ્રેમી સહિત બે આરોપી ત્રણ વર્ષે ઝડપાયા

પાલઘર: તીક્ષ્ણ હથિયારો સાથે પકડાયેલા બે આરોપીની પૂછપરછમાં ત્રણ વર્ષ અગાઉનો હત્યાનો કેસ ઉકેલાયો હોવાનો દાવો પોલીસે કર્યો હતો. આરોપી પ્રેમીએ સાથીઓની મદદથી પ્રેમપ્રકરણમાં વિઘ્ન ઊભું કરી રહેલા પ્રેમિકાના પતિની ગળું દબાવી હત્યા કર્યા બાદ મૃતદેહ હાઈવે પાસેના ખાડામાં ફેંકી દીધો હતો.
મીરા-ભાયંદર વસઈ-વિરાર પોલીસના ઝોન-3ના ડેપ્યુટી પોલીસ કમિશનર જયંત ભજબળેએ જણાવ્યું હતું કે આરોપી પોખન પારન સૉ (50) અને અબ્દુલ મુબારકઅલી શાહ ઉર્ફે બડ્ડા (23)ને ત્રીજી એપ્રિલે નાલાસોપારા પરિસરમાંથી પકડી પાડવામાં આવ્યા હતા. તેમની પાસેથી તીક્ષ્ણ શસ્ત્રો જપ્ત કરવામાં આવ્યાં હતાં. તપાસમાં બન્ને આરોપી ત્રણ વર્ષ જૂના હત્યા કેસમાં સંડોવાયેલા હોવાનું જણાયું હતું.
આપણ વાંચો: માતાની હત્યા કરનારા દીકરાને કોર્ટે ફટકારી આ સજા, જાણો શું હતો મામલો?
પોલીસના જણાવ્યા મુજબ આરોપી રિક્ષા ડ્રાઈવર પોખનનું પરિણીત મહિલા સાથે અફૅર હતું. પ્રેમપ્રકરણમાં આડખીલી બની રહેલા મહિલાના પતિ વકીલ અહમદ બાદશાહ અહમદ ઈદ્દીસી (28)ની પોખને તેના સાથીઓ મુબારકઅલી અને ઈમરાન ઈબ્રાહિમ સિદ્દીકી (24)ની મદદથી હત્યા કરી હતી. 3 સપ્ટેમ્બર, 2021ની રાતે મુંબઈ-અમદાવાદ હાઈવેથી રિક્ષામાં અપહરણ કરવામાં આવ્યું હતું. બાદમાં ગળું દબાવી હત્યા કર્યા બાદ તેના મૃતદેહને એક ખાડામાં ફેંકી દેવામાં આવ્યો હતો.