રત્નાગિરિના આરે-વારે બીચ પર દુર્ઘટના, એક જ પરિવારના ચાર સભ્યોનુ દરિયામાં ડૂબી જવાથી મોત

રત્નાગિરિ: ચોમાસા સિઝનમાં દરિયાકિનારાથી દૂર રહેવા કે પછી સાવચેત રહેવા અવાર નવાર લોકોને અપીલ કરવામાં આવતી હોય છે. આ વચ્ચે મહારાષ્ટ્રના રત્નાગિરિ જિલ્લામાં આવેલા આરે-વારે બીચ પર શનિવારે સાંજે એક દુખદ ઘટના બની હતી. એક પરિવારના ચાર સભ્યોનું પાણી ડૂબી જવાથી મોત નિપજ્યું હતું.
સૂત્રો પાસેથી મળતી જાણકારી પ્રમાણે આ ઘટના શનિવારે સાંજે લગભગ 6 વાગ્યે બની હતી. રત્નાગિરિના ઓસવાલ નગરના રહેવાસી જુનૈદ બશીર કાઝી (ઉંમર વર્ષ 36) અને તેમની પત્ની ઝૈનબ (ઉંમર વર્ષ 28) અને તેમના સંબંધી ઉઝ્મા શમશુદ્દીન કાઝી (ઉંમર વર્ષ 18) અને ઉમેરા શમશુદ્દીન શેખ (ઉંમર વર્ષ 20) સાથે બીચ પર હતા. આ બંને સંબંધીઓ થાણે જિલ્લાના મુંબ્રા વિસ્તારના રહેવાસી હતા. પરિવારના ચારેય સભ્યો દરિયાકિનારે પાણી ઊભા હતા, અચાનક પાણીની મોટી લહેર આવતા ચારેય સદસ્યો પાણીમાં ખેંચાયા હતા.
દરિયામાં કરંટ હોવાથી સ્થાનિકો પણ મદદે પહોંચી શક્યા નહીં અને પરિવારનું ડૂબવાના કારણે મૃત્યુ થયું હતું. સ્થાનિક પોલીસ ટીમ ઘટનાસ્થળે પહોંચી અને ચારેયના મૃતદેહોને બહાર કાઢ્યા હતા. આ ઘટના બાદ સ્થાનિક લોકો અને પર્યટકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. પોલીસે આ ઘટનાની તપાસ શરૂ કરી છે અને બીચ પર સલામતીના નિયમોનું પાલન થાય છે કે કેમ તેની ચકાસણી કરવામાં આવી રહી છે.
આ પણ વાંચો…વિયેતનામમાં ભયાનક બોટ દુર્ઘટના: વાવાઝોડાથી ‘વન્ડર સી’ બોટ પલટી, 34 પ્રવાસીઓના મોત, અનેક લાપતા