મુંબઈ-નાશિક હાઈવે પર પોણો કલાક ટ્રાફિક ઠપ્પ થયો
(અમારા પ્રતિનિધિ તરફથી)
થાણે: મુંબઈ-નાશિક હાઈવે પર એક સીએનજી સંચાલિત કારમાં આગ ફાટી નીકળતા લગભગ પોણો કલાક સુધી હાઈવે પર ટ્રાફિક ઠપ્પ થઈ ગયો હતો અને વાહનોની લાંબી લાઈન લાગી ગઈ હતી.
થાણે ડિઝાસ્ટર કંટ્રોલના જણાવ્યા મુજબ મુંબઈ-નાશિક હાઈવે પર થાણે (પશ્ર્ચિમ)માં પ્રેસ્ટિજ ગાર્ડન સોસાયટી સામે નિતીન કંપની ફ્લાયઓવર પાસે સાંજે સવા ચાર વાગે એક સીએનજી સંચાલિત હોન્ડા કારમાં અચાનક આગ ફાટી નીકળી હતી. આ કાર ઘાટકોપરથી થાણેમાં વાઘબીળ જઈ રહી હતી અને તેમાં મોટા પ્રમાણમાં ડેકોરેશનનું સામાન હતું.
કારમાં આગ લાગી હોવાની જાણ થતા જ કારનો ૨૧ વર્ષનો ડ્રાઈવર સમયસૂચકતા રાખીને કારમાંથી ઊતરી ગયો હતો અને આગની ચપેટમાં કાર આવી ગઈ હતી. ઘટના સ્થળે ફાયરબ્રિગેડની એક ગાડી, એક રેસ્ક્યુ વેહિકલ, એક વોટર મિક્સ ફાયર ટેન્ડર વેહિકલ, એક વોટર ટેન્કર અને ટ્રાફિક પોલીસે પહોંચીને આગ બુઝાવવાની કામગીરી હાથ ધરી હતી.
કારમાં મોટા પ્રમાણમાં ડેકોરેશનનું સામન હોવાથી આગ ઝડપભેર ફેલાઈ હતી .આગને કારણે જોકે મુંબઈ-નાશિક હાઈવે પરનો ટ્રાફિક લગભગ પોણો કલાક સુધી ઠપ્પ થઈ ગયો હતો. સાંજે પાંચ વાગ્યાની આસપાસ આગ પર નિયંત્રણ મેળવવામાં સફળતા મળઈ હતી. આગ બુઝાઈ ગયા બાદ થાણે ટ્રાફિક પોલીસે ટોઈંગ વાહનની મદદથી કારને રસ્તાની એક તરફ કરી હતી અને બાદમાં રસ્તો ટ્રાફિક માટે ખુલ્લો મુક્યો હતો.