વડા પ્રધાનના ઘાટકોપર રોડ શોમાં પરંપરાગત નૃત્ય અને મલ્લખાંબ
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મોદી મોદીના સૂત્રો વચ્ચે ઘાટકોપર પશ્ર્ચિમથી પૂર્વ સુધીના વડા પ્રધાન નરેન્દ્ર મોદીના 1.5 કિલોમીટરના રોડ શોમાં પરંપરાગત ગુજરાતી વસ્ત્રો ધારણ કરીને નૃત્ય કલાકારો અને મલ્લખાંબના કસરતબાજો સામેલ થયા હતા. હજારોની સંખ્યામાં લોકો વડા પ્રધાન નરેન્દ્ર મોદીને જોવા માટે રસ્તાની બંને તરફ, ઈમારતોમાં બારી-બાલ્કની, છાપરા પર ભેગા થયા હતા.
એનસીપીના નેતા અને નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારની ગેરહાજરી ઉડીને આંખે વળગી હતી. વડા પ્રધાનના રોડ શોમાં મુખ્ય પ્રધાન એકનાથ શિંદે તેમની એક તરફ અને ભાજપના નેતા અને રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ બીજી તરફ ઊભા રહ્યા હોવાનું જોવા મળ્યું હતું.
મોદીના રથની આગળ ભાજપની સોથી વધુ રણરાગીણીઓ પરંપરાગત ગુજરાતી અને મરાઠી વસ્ત્રો ધારણ કરીને ચાલી રહી હતી.
આ પણ વાંચો : કૉંગ્રેસ બજેટના 15 ટકા લઘુમતીઓને ફાળવવા માગતી હતી: વડા પ્રધાન નરેન્દ્ર મોદી
રસ્તાને બે ભાગમાં વહેંચી નાખવામાં આવ્યો હતો અને એક તરફથી મોદીનો રથ પસાર થઈ રહ્યો હતો જ્યારે બીજા અડધા રોડ પર ભાજપના કાર્યકર્તાઓ ચાલી રહ્યા હતા. ત્યાં નૃત્ય, ઢોલ નગારા, ગરબા વગેરે ચાલી રહ્યા હતા. ભાજપના નેતા કિરીટ સોમૈયાએ અહીં મરાઠી કાર્યકર્તાઓ સાથે લેઝિમ ડાન્સ પણ કર્યો હતો.
મોદીના રોડ શોને લઈને કેટલાક રસ્તાઓ પર ટ્રાફિક નિયંત્રણ કરવામાં આવ્યું હતું. તેવી જ રીતે મેટ્રોના ગેટ બંધ કરી દેવામાં આવ્યા હોવાથી લોકોને થોડી હાલાકીનો સામનો કરવો પડ્યો હતો, પરંતુ લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.
ઘાટકોપર જે ઈશાન મુંબઈ મતદારક્ષેત્રમાં આવે છે ત્યાંથી ભાજપના ઉમેદવાર મિહીર કોટેચા છે, જેમને અહીંના વર્તમાન સંસદસભ્ય મનોજ કોટકની ટિકિટ કાપીને ઉમેદવારી આપવામાં આવી છે. તેમની સામે શિવસેના (યુબીટી)ના સંજય દીના પાટીલ છે.