મરાઠી નહીં બોલવા બદલ વેપારીઓને માર માર્યો: શિવસેના (UBT) નેતા પર આક્ષેપ
યુબીટીના પૂર્વ સંસદસભ્યના કાર્યાલયમાં માફી માંગવાની કથિત સ્વરૂપે ફરજ પાડી

મુંબઈ: ભાષાના આગ્રહના વધુ એક ચોંકાવનારા કિસ્સામાં ઉદ્ધવ ઠાકરેની આગેવાની હેઠળની શિવસેના (યુબીટી)ના ભૂતપૂર્વ સંસદસભ્ય રાજન વિચારેએ વેપારીઓને તેમની ઓફિસમાં બોલાવ્યા હતા. ઓફિસમાં તેમના સમર્થકો દ્વારા વેપારીઓને કથિત રીતે માર મારવામાં આવ્યો હતો અને મરાઠી ન બોલવા બદલ માફી માંગવાની ફરજ પડી હતી.
સોશિયલ મીડિયા ‘એક્સ’ પર પોસ્ટ કરવામાં આવેલા એક વીડિયોમાં વિચારે અને તેમના સહયોગીઓએ વારંવાર વેપારીઓને માત્ર મરાઠીમાં જ વાતચીત કરવાનો આગ્રહ રાખ્યો હતો. આ વલણને કારણે વેપારી સમુદાયની સલામતી અંગે ગંભીર ચિંતા ઊભી થઈ છે. સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ થયા પછી તેના પર યૂઝરે પ્રતિક્રિયા આપી હતી.
આ પણ વાંચો: મરાઠીમાં બોલવાને બદલે ‘એક્સક્યુઝ મી’ કહેનારી બે મહિલાની ટોળાએ કરી મારપીટ
મીરા-ભાયંદરમાં મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (મનસે)ના કાર્યકરોએ ગ્રાહકો સાથે વાતચીત કરતી વખતે મરાઠીનો ઉપયોગ ન કરવા બદલ એક રેસ્ટોરન્ટના માલિક પર હિંસક હુમલો કર્યો એ બનાવ પછી વ્યથિત કરનારી આ ઘટના બની છે. મીરા-ભાયંદરના વેપારી સમુદાયે ભાષાના નામે વધી રહેલો ખતરો અને હિંસાના વિરોધમાં અનેક દુકાનો તાબડતોબ બંધ કરી દીધી હતી.
આ પણ વાંચો: મહારાષ્ટ્રની ભાષા મરાઠી જ, પરંતુ આ મુદ્દે રાજકારણ ન થવું જોઈએ
ત્રીજી જુલાઈએ સવારે મનસેની આક્રમકતા પછી મીરા-ભાયંદરની દુકાનો બંધ રહી હતી. સૂમસામ રસ્તા અને બંધ બજારોની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી હતી. વેપારીઓએ સલામતી અંગે ઊંડી ચિંતા વ્યક્ત કરી કહ્યું છે કે આવી ઘટનાઓ કોમી એકતા અને વ્યવસાયિક ભાવનાને ઠેસ પહોંચાડી રહી છે.