‘ટોની દા ઢાબા’ વિવાદ: ફઈ અને ભત્રીજાઓ વચ્ચે માલિકી હક માટે લોહિયાળ જંગ…

પુણેઃ મહારાષ્ટ્રના પુણેને અડીને આવેલા માવલ કામશેત વિસ્તારમાં ફઈ અને ભત્રીજાઓ વચ્ચે લડાઈનો મામલો સામે આવ્યો છે. સમગ્ર વિવાદ એક ઢાબાને લઈને થયો છે, જેમાં આખરે ‘ટોની દા ઢાબા’ નામની હોટલનો માલિક કોણ છે? આ મુદ્દે નજીકના સંબંધીઓ વચ્ચે ઝઘડો થયો હતો. પોલીસે ઝઘડામાં સામેલ બંને જૂથો સામે કેસ નોંધ્યો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર આ હોટલના માલિક ‘વિજય કુમાર ઉર્ફે ટોની ચાવલા’નું 4 વર્ષ પહેલા મોત થયું હતું. જોકે, મૃત્યુ પહેલાં ‘વિજય કુમાર ઉર્ફે ટોની ચાવલા’એ વસિયતનામામાં, તેમની બધી સંપત્તિ તેમની બહેન સવિતા બાગલા, તેમના પતિ અને એક નોકરને નામે કરી દીધી હતી. હવે આ વસિયતનામાને લઈને વિજયકુમારના પુત્ર સિદ્ધેશ અને પુત્રી શ્રદ્ધાએ છેલ્લા ત્રણ વર્ષથી કોર્ટમાં કેસ દાખલ કર્યો છે.
ટોની ચાવલાના પુત્ર સિદ્ધેશ અને પુત્રી શ્રદ્ધાએ આ રેસ્ટોરાં ચલાવવાનો દાવો કર્યો હતો. આ નિર્ણયથી તેની ફઈ સવિતા બાગલા નારાજ હતી. 6 મહિના પહેલા પણ તેમની વચ્ચે ઝઘડો થયો હતો. આનો બદલો લેવા માટે સવિતા લગભગ 100 લોકોને લઈને આ રેસ્ટોરન્ટમાં આવી હતી. ટોની ચાવલાની બહેને ત્યાં હાજર સ્ટાફ સહિત તેના ભત્રીજા સિદ્ધેશ અને ભત્રીજી શ્રદ્ધાને માર માર્યો હતો. હુમલા બદલ સિદ્ધેશ અને શ્રદ્ધાએ તેમની ફઈ અને લગભગ 100 લોકો વિરુદ્ધ કામશેત પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
બીજી તરફ સવિતા બાગલાએ પણ સિદ્ધેશ અને શ્રદ્ધા વિરુદ્ધ પરવાનગી વિના રેસ્ટોરાં ચલાવવા બદલ તે જ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. આ દરમિયાન કોઈએ ઘટનાનો વીડિયો પોતાના મોબાઈલ ફોનમાં રેકોર્ડ કરી લીધો હતો, જે હવે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોના આધારે પોલીસ ઘટનાસ્થળે હાજર ગુનેગારોની શોધ કરી રહી છે.