આમચી મુંબઈમહારાષ્ટ્ર

ખોટી પ્રવૃત્તિઓને રોકવાનો સમય આવી ગયો છે: પવારનો મોદીને જવાબ

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ:
દેશમાં એકમતની આવશ્યકતા છે, ખોટી પ્રવૃત્તિને રોકવાનો સમય આવી ગયો છે. આથી દેશના હિતમાં સમવિચારી પક્ષોએ એક થવાની આવશ્યકતા આવી છે. દેશના હિત માટે એકતાનો વિચાર લઈને આગળ જવાનું છે અને તેને માટે પ્રયાસો કરવા આવશ્યક છે, એમ એનસીપીના સ્થાપક શરદ પવારે શુક્રવારે રાયગઢમાં જણાવ્યું હતું.

રાયગઢ જિલ્લા મધ્યવર્તી સહકારી બેંકના કાર્યક્રમમાં તેમણે વડા પ્રધાન દ્વારા કરવામાં આવેલી ટીકાનો જવાબ આપ્યો હતો. તેમણે કહ્યું હતું કે સહકારની ચળવળમાં મહારાષ્ટ્રનું અલગ સ્થાન છે. દેશની સહકાર ચળવળને મહારાષ્ટ્રે નવી દિશા આપી છે. વસંતદાદા પાટીલ, યશવંતરાવ ચવ્હાણે આ ચળવળને તાકાત આપી હોવાથી રાજ્યમાં ઠેરઠેર જિલ્લા સહકારી બેંકો ઊભી છે. દેશની સહકારી બેંકમાં મહારાષ્ટ્ર બેંક મોટી છે. બેંકની આઉટસ્ટેન્ડિંગ રકમની માહિતી મેળવવામાં આવે તો બેંકની હાલતની જાણકારી મળી શકે છે.

તેમણે કહ્યું હતું કે દેશને એકતાની આવશ્યકતા છે. ખોટી પ્રવૃત્તિઓને રોકવાનો સમય આવી ગયો છે. આને માટે દેશના હિતમાં બધા જ સમવિચારી પક્ષોએ એક થવાની આવશ્યકતા છે.

બીજી તરફ કૉંગ્રેસના નેતા નાના પટોલેએ ભાજપની અત્યંત આકરી ટીકા કરતાં કહ્યું હતું કે ભાજપની સરકાર કૃષિ વિરોધી છે. ખેતમાલ માર્કેટમાં વેચાણ માટે મોકલવામાં આવે કે તરત જ કિંમતો ઘટાડી નાખવામાં આવે છે અને તેથી ખેડૂતોને સારા ભાવ મળી શકતા નથી. ભાજપની ખેડૂત વિરોધી નીતિઓને કારણે કાંદા, સોયાબીન, ડાંગર, કપાસ, દાળ વગેરેને અત્યંત ઓછી કિંમત મળી રહી છે. જેને કારણે રાજ્યમાં ખેડૂતોની આત્મહત્યામાં વધારો થઈ રહ્યો છએ.

જ્યારથી ભાજપની સરકાર આવી છે ત્યારથી ખેડૂતોના માઠા દિવસો આવ્યા છે. તેમણે એમ પણ કહ્યું હતું કે હવે આ સરકારનું કાઉન્ટડાઉન ચાલુ થઈ ગયું છે. તેઓ ભાજપની સરકારને રાજ્યમાં અને કેન્દ્રમાં ખેડૂતોના આશીર્વાદથી હરાવી નાખશે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button