મહારાષ્ટ્રના ચંદ્રપુરમાં વાઘનો ફફડાટઃ 13 દિવસમાં 9 મોતથી હાહાકાર

ચંદ્રપુરઃ મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લામાં વાઘના હુમલા અટકવાનું નામ નથી લઇ રહ્યા. આજે મૂળ તહસીલના કરવન ગામમાંથી એક દુ:ખદ ઘટના સામે આવી છે, જ્યાં વાઘે એક વૃદ્ધ ખેડૂત પર હુમલો કરીને તેની હત્યા કરી દીધી હતી. તેને બચાવવાનો પ્રયાસ કરતી વખતે, તેનો ભત્રીજો ગંભીર રીતે ઘાયલ થયો હતો.
મંગળવારે સવારે કરવન ગામના પાંચ લોકો રાબેતા મુજબ ગામની નજીકના ખેતરોમાં ગાય – ભેંસ ચરાવવા ગયા હતા. દરમિયાન, ખેતરની નજીક ઝાડીઓમાં છુપાયેલા એક વાઘે તેમના પર અચાનક હુમલો કર્યો હતો.
વાઘે પહેલા ૫૫ વર્ષીય બંધુ પરશુરામ ઉરાડે પર હુમલો કર્યો, તેમને બચાવવાનો પ્રયાસ કરતી વખતે, તેમનો ભત્રીજો 35 વર્ષીય કિશોર મધુકર ઉરાડે પણ વાઘના પંજામાં ફસાઈ ગયો અને ગંભીર રીતે ઘાયલ થયો હતો. ઘાયલ કિશોરને તાત્કાલિક મૂળ સબ-ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો, જ્યાં તેની સારવાર ચાલી રહી છે. જ્યારે બંધુ ઉરાડે ઘટનાસ્થળે જ મૃત્યુ પામ્યા હતા.
આ ઘટના બાદ ગામમાં ભારે શોકનું વાતાવરણ સર્જાયું છે. ગામલોકોએ મૃતકનો મૃતદેહ સ્વીકારવાની ના પાડી દીધી છે અને વન વિભાગ સામે ગુસ્સો વ્યક્ત કર્યો છે. ઘટનાસ્થળે મોટી ભીડ એકઠી થઈ ગઈ છે અને લોકો વન વિભાગ પાસેથી તાત્કાલિક વળતર અને વાઘને પકડવાની માંગ કરી રહ્યા છે.
અત્યાર સુધીમાં તેંદુના પાન લેવા જંગલમાં જતા લોકો પર હુમલા થતા હતા, પરંતુ હવે ખેતરમાં ઢોર ચરાવવા ગયેલા બે લોકો પર વાઘે હુમલો કર્યો છે. છેલ્લા 13 દિવસમાં વાઘના હુમલામાં ૯ લોકોના મોત થયા છે જયારે 2 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.
10 મેના રોજ બનેલી આ ઘટનામાં 65 વર્ષીય કાંતા બુધાજી ચૌધરી, 28 વર્ષીય શુભાંગી મનોજ ચૌધરી અને 50 વર્ષીય રેખા શાલિક શેંડેના મોત થયા હતા. બધા મૃતકો સિંદેવાહી તાલુકાના મેંઢા -માલ ગામના રહેવાસી હતા અને તેમાં એક સાસુ- વહુ નો સમાવેશ થતો હતો. 11 મેના રોજ બનેલી આ ઘટનામાં, મૂળ તાલુકાના મહાદવાડી ગામના રહેવાસી 65 વર્ષીય વિમલા બુઢા ડોંડેનું અવસાન થયું હતું. જયારે 12 મેના રોજ મૂળ તાલુકાના ભાદુરણા ગામની રહેવાસી 28 વર્ષીય ભૂમિકા દીપક ભેંડારેનું અવસાન થયું હતું.
બુધવાર, 14 મેના રોજ ચિમ્મૂર તહસીલના કરબડા ગામના કચરાબાઈ અરુણ ભરનાડેનું મૃત્યુ થયું હતું. ત્યાર બાદ, 18 મેના રોજ, વાઘે નાગભિડ અને63 વર્ષીય મારુતિ શેંડેને પોતાના શિકાર બનાવ્યા. મૂળ તાલુકાના ભાદુર્ણી ગામના 70 વર્ષીય ઋષિ પેંડોરનું પણ વાઘના હુમલામાં મૃત્યુ થયું હતું અને આજે 22 મેના રોજ વાઘના હુમલામાં વધુ એક વ્યક્તિનો જીવ ગયો છે.
આ પણ વાંચો…મહારાષ્ટ્રના ચંદ્રપુરમાં વાઘનો આતંક: 3 દિવસમાં 5 મહિલાના ભયાનક મોત