પરેલ બ્રિજ પર ડમ્પર સાથે સ્કૂટર ભટકાતાં બે યુવતી સહિત ત્રણનાં મોત

મુંબઈ: પરેલ બ્રિજ પર સ્કૂટર ડિવાઇડર સાથે ટકરાયા બાદ વિરુદ્ધ દિશાથી આવનારા ડમ્પર સાથે ભટકાતાં બે યુવતી સહિત ત્રણ જણનાં મોત થયાં હતાં.
પોલીસના જણાવ્યા મુજબ મંગળવારે સવારે 6.15 વાગ્યાની આસપાસ આ અકસ્માત થયો હતો, જેમાં મૃત્યુ પામેલા ત્રણમાંથી બે જણની ઓળખ તનિષ પતંગે (24) અને રેણુકા તામ્રકર (25) તરીકે થઇ હતી.
રેણુકા અને તનિષ તેના મિત્ર સાથે મંગળવારે સવારે સ્કૂટર પર દક્ષિણ મુંબઈ તરફ જઇ રહ્યાં હતાં ત્યારે પરેલ બ્રિજ પર સ્કૂટરચાલકે કાબૂ ગુમાવ્યો હતો, જેને કારણે સ્કૂટર ડિવાઇડર સાથે ટકરાયું હતું અને બાદમાં ડિવાઇડર કુદાવીને તે ડમ્પર સાથે ભટકાયું હતું.
આ અકસ્માતમાં સ્કૂટર પર સવાર ત્રણેયને ગંભીર ઇજા પહોંચી હતી. ત્રણેયને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યાં હતાં, જ્યારે તેમને ડોક્ટરોએ તપાસીને મૃત જાહેર કર્યાં હતાં. ત્રણેય કોલેજના મિત્રો હોઇ એક જણ સાકીનાકા વિસ્તારમાં કોલ સેન્ટરમાં કામ કરતો હતો, એમ પોલીસે જણાવ્યું હતું.
ભોઇવાડા પોલીસ સ્ટેશનમાં આ પ્રકરણે એડીઆર દાખલ કરવામાં આવ્યો હોઇ તપાસ ચાલી રહી છે, એમ અધિકારીએ જણાવ્યું હતું.