પવઈમાં વૃક્ષોને કાપવાં અને ઝેરી ઈન્જેક્શન આપવા પ્રકરણે ત્રણ એફઆઈઆર નોંધાયા

મુંબઈ: પવઈ માર્કેટ નજીક વૃક્ષોને કાપવાં અને ઝેરી ઈન્જેક્શન આપવા પ્રકરણે પોલીસે ત્રણ અલગ અલગ ગુના નોંધ્યા હતા. પાલિકાના અધિકારીઓએ નોંધાવેલી ફરિયાદને આધારે એફઆઈઆર નોંધવામાં આવ્યા હોઈ પોલીસને શંકા છે કે આ મામલામાં એક જાહેરાત કંપનીની સંડોવણી છે.
પોલીસના જણાવ્યા મુજબ પહેલો એફઆઈઆર પાલિકાના એસ વૉર્ડના ગાર્ડન્સ ડિપાર્ટમેન્ટમાં ફરજ બજાવતી અધિકારી અક્ષદા મ્હાત્રેએ નોંધાવ્યો હતો. મ્હાત્રેને રમાકાંત ખરે નામના રહેવાસીએ પવઈની પ્રસાદ હોટેલ નજીક પરવાનગી વિના નાળિયેરનાં ચાર વૃક્ષ કાપવામાં આવ્યાં હોવાની ફરિયાદ કરી હતી. આ પ્રકરણે પોલીસને જાન્યુઆરીમાં લેખિત ફરિયાદ મળી હતી. જોકે પોલીસ કે પાલિકાના અધિકારીને સંબંધિત વૃક્ષોની કોઈ માહિતી મળી નહોતી. ખરેએ વૃક્ષોની તસવીર પણ દેખાડી હતી. વૃક્ષોને સ્થાને અમુક બાંધકામ કરવામાં આવ્યું હોવાથી કોણે ઝાડ કાપ્યાં તેની માહિતી મળી શકી નહોતી.
આ પણ વાંચો: BMC 10 નવા બાઓબાબ વૃક્ષો રોપશે
બીજો એફઆઈઆર શબ્બીર શેખે પાલિકાના અધિકારીને કરેલી ફરિયાદને આધારે નોંધાયો હતો. પવઈના પેરુબાગ વિસ્તારમાં નાળિયેરનાં બે ઝાડને કાપવામાં આવ્યાં હતાં અને એકને નુકસાન પહોંચાડવામાં આવ્યું હોવાનું ફરિયાદમાં જણાવાયું હતું.
પવઈના જૈન મંદિર રોડ ખાતે બે વૃક્ષ કાપવામાં આવ્યાં હોવા સંદર્ભે ત્રીજો ગુનો નોંધવામાં આવ્યો હતો. એ સિવાય નજીકમાં જ એક વૃક્ષને ઝેરી ઈન્જેક્શન મારવામાં આવ્યું હોવાનું જણાયું હતું. ત્રણેય ફરિયાદની પ્રાથમિક તપાસ પછી પાલિકાના અધિકારીઓએ ગુના નોંધાવ્યા હતા.