વરિષ્ઠો સામે જાતીય સતામણીનો આરોપ કરતા બોગસ પત્રમાં ત્રણ પોલીસની સંડોવણી
મુંબઈ: મોટર ટ્રાન્સપોર્ટ વિભાગના ત્રણ પોલીસ અધિકારીઓ સામે જાતીય સતામણીના આરોપની તપાસમાં ક્રાઇમ બ્રાન્ચને જાણવા મળ્યું હતું કે આઠ મહિલા પોલીસની જાતીય સતામણીનો આક્ષેપ કરતો પત્ર બોગસ હતો અને વિભાગની બદનામી કરવા તેને વાયરલ કરાયો હતો.
તપાસમાં મોટર ટ્રાન્સપોર્ટ (એમટી) વિભાગના બે કોન્સ્ટેબલ અને એક અધિકારીની સંડોવણી સામે આવી છે. કોન્સ્ટેબલ ડી.કે. જાધવે બોગસ પત્ર સોશિયલ મીડિયા પર વાયરલ કરવા પોતાના પરિવારના સભ્યના મોબાઇલનો ઉપયોગ કર્યો હોવાનું સામે આવ્યા બાદ ક્રાઇમ બ્રાન્ચ જાધવ અને તેના પરિવારજનોની પૂછપરછ કરી રહી છે.
આપણ વાંચો: MLA હોર્સ ટ્રેડિંગ મામલે દિલ્હી ક્રાઇમ બ્રાન્ચે અરવિંદ કેજરીવાલ પાસે 3 દિવસમાં માંગ્યો જવાબ
તપાસકર્તા અધિકારીએ જણાવ્યું હતું કે એમટી વિભાગ આંતરિક વિવાદોથી ઘેરાયેલો છે. આમાંનું મુખ્ય કારણ ડ્રાઇવર કોન્સ્ટેબલોની બદલી-પોસ્ટિંગ એક છે. એમટી વિભાગમાં 2,300 ડ્રાઇવરો કાર્યરત છે અને તેમને ઉદ્યોગપતિઓ, વીઆઇપી અને ‘એ’ ગ્રેડ પોલીસ સ્ટેશન, ક્રાઇમ બ્રાન્ચ, પ્રોટેક્શન એન્ડ સિક્યુરિટી બ્રાન્ચ સહિત અનેક સ્થળોએ ફરજ સોંપવામાં આવે છે. બે પોલીસ ઇન્સ્પેક્ટરને મલાઇદાર પોસ્ટિંગ જોઇતી હતી તેમાંથી વેર પેદા થયું હતું.
એ અધિકારીઓને મુંબઈના ઉદ્યોગપતિના નિવાસે અથવા ઓફિસે પોસ્ટિંગ જોઇતી હતી, જે ફરજમાં મફત તબીબી સુવિધાઓ સહિતનાં ભથ્થાં મળે છે.
આનાથી અસંતુષ્ટ કોન્સ્ટેબલ જાધવે સિનિયર પીઆઇના કહેવાથી મહિલા પોલીસ ડ્રાઇવરોની જાતીય સતામણી થતી હોવાનો આક્ષેપ કરતો પત્ર લખ્યો હતો. આ પત્ર એક મહિલા કોન્સ્ટેબલ અને જાધવ દ્વારા વિભાગના કમ્પ્યુટર પર ટાઇપ કરાયો હતો. એ સમયે ત્યાં પોલીસ ઇન્સ્પેક્ટર પણ હાજર હતો. જાધવે બાદમાં પત્ર પરિવારના સભ્યને આપ્યો હતો અને દાદર પોસ્ટ ઓફિસમાં જઇને ડ્રોપ કરવાનું કહ્યું હતું.
આપણ વાંચો: દિલ્હીના મુખ્યપ્રધાનના ઘરે પહોંચી દિલ્હી ક્રાઇમ બ્રાન્ચ, કેજરીવાલ પર MLA હોર્સ ટ્રેડિંગનો આરોપ
તે પોતાના મિત્રો સાથે સીસીટીવી કેમેરા નથી એવી દાદર પોસ્ટ ઓફિસમાં ગયો હતો અને જાન્યુઆરીમાં એમટી વિભાગને પત્ર પોસ્ટ કર્યો હતો. આ પત્ર બાદમાં સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. પત્રમાં આઠ મહિલા પોલીસકર્મીનાં નામનો ઉલ્લેખ હતો અને ઉપરીઓ તેમની જાતીય સતામણી કરતા હોવાનું જણાવાયું હતું. પત્રમાં ડીસીપી અને બે પીઆઇ પર આરોપ કરાયા હતા.