મહિલા પર સામૂહિક બળાત્કાર ગુજારવા પ્રકરણે પતિ સહિત ત્રણની ધરપકડ
મુંબઈ: ઘાટકોપર પૂર્વમાં 23 વર્ષની મહિલા પર સામૂહિક બળાત્કાર ગુજારવાના આરોપસર પતિ સહિત ત્રણ જણની પંતનગર પોલીસે શનિવારે ધરપકડ કરી હતી.
પોલીસે જણાવ્યું હતું કે ઘાટકોપર પૂર્વમાં 9 અને 10 ડિસેમ્બરે આ ઘટના બની હતી. ઘટના બાદ પીડિતા સાંગલી ગઇ હતી અને પરિવારજનોને તમામ હકીકત જણાવી હતી. સાંગલીમાં આ પ્રકરણે ગુનો દાખલ કરાયો હતો અને બાદમાં કેસ મુંબઈ ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો.
ફરિયાદમાં જણાવાયું હતું કે 9 ડિસેમ્બરે મહિલાનો પતિ તેને શાળાની પાછળ ગલીમાં લઇ ગયો હતો, જ્યાં મહિલાના વિરોધ છતાં તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. બાદમાં મહિલાને ખેંચીને નજીકના એકાંત સ્થળે લઇ જવાઇ હતી, જ્યાં પતિએ તેને પકડી રાખી હતી, જ્યારે બે શખસ દ્વારા તેના પર બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો.
આ ઘટના બાદ મહિલા સાંગલી જવા રવાના થઇ હતી. સાંગલી પહોંચ્યા બાદ મહિલાએ પરિવારના સભ્યોને ઘટનાની જાણ કરી હતી, જેમણે તેને ગુનો દાખલ કરાવવામાં મદદ કરી હતી.
પંતનગર પોલીસ સ્ટેશનના અધિકારીના કહેવા મુજબ તેમણે ત્રણેય આરોપીની ધરપકડ કરી હતી. મહિલાનો પતિ બેરોજગાર છે, જ્યારે એક આરોપી બેન્જો પાર્ટી ચલાવે છે. મહિલાના પતિએ પૈસા માટે તેને અન્ય આરોપી સાથે સંબંધ બાંધવા દબાણ કર્યું હશે, એવી પોલીસને શંકા છે. દંપતીનાં લગ્ન પાંચ વર્ષ અગાઉ થયાં હતાં અને તેમને બે સંતાન છે.