બેસ્ટની બસમાંથી રોકડ ભરેલી બૅગ લૂંટનારા 10 મહિના બાદ ઝડપાયા
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: જોગેશ્ર્વરી નજીક બેસ્ટની બસમાંથી પ્રવાસીની રોકડ ભરેલી બૅગ લૂંટી ફરાર થયાના 10 મહિના બાદ ત્રણ આરોપીને પકડી પાડવામાં પોલીસને સફળતા મળી હતી.
મેઘવાડી પોલીસે ધરપકડ કરેલા ત્રણેય આરોપીની ઓળખ સુંદર મોસેસ પીટર (40), મોહમ્મદ અશરફ સુલેમાન મુલ્લા (42) અને હરિરામ રઘુવીર ભગત (33) તરીકે થઈ હતી. આરોપી સુંદર વિરુદ્ધ મુંબઈના વિવિધ પોલીસ સ્ટેશનમાં છ, મુલ્લા વિરુદ્ધ ચાર અને ભગત વિરુદ્ધ ત્રણ ગુના નોંધાયેલા હોવાનું તપાસમાં પોલીસને જાણવા મળ્યું હતું.
પોલીસ ફરિયાદ અનુસાર ઘટના 8 ફેબ્રુઆરી, 2023ની સવારે 10.25 વાગ્યાની આસપાસ બની હતી. ગોરેગામમાં આવેલી ખાનગી બૅન્કની શાખામાં જવા માટે ફરિયાદી રામવાડી બસ સ્ટોપથી બેસ્ટની બસમાં બેઠા હતા. પ્રતાપ નગર સ્ટોપ પાસે ઊભી રાખવા ડ્રાઈવરે બસને બ્રેક મારી હતી. તે સમયે એકાએક ફરિયાદીના હાથમાંથી રોકડ ભરેલી બૅગ લૂંટી આરોપી ફરાર થઈ ગયા હતા.
આ પ્રકરણે ફરિયાદીએ મેઘવાડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. બૅગમાં 1.86 લાખની રોકડ અને દસ્તાવેજો હોવાનું ફરિયાદમાં જણાવાયું હતું. આ કેસમાં પોલીસે સીસીટીવી ફૂટેજને આધારે આરોપીઓ સુંદર પીટરની ઓળખ મેળવી તેની શોધ હાથ ધરી હતી. જોકે છેલ્લા 10 મહિનાથી તે પોલીસને હાથ લાગતો નહોતો.
આખરે અંધેરી પૂર્વના જેબી નગર ખાતે સુંદર આવવાનો હોવાની માહિતી મળતાં પોલીસે છટકું ગોઠવી તેને પકડી પાડ્યો હતો. તેણે આપેલી માહિતી પરથી પવઈના ગૌતમ નગર ખાતેથી તેના બે સાથીને તાબામાં લેવાયા હતા. પોલીસ આરોપીઓની વધુ પૂછપરછ કરી રહી છે.