સારો સિબિલ સ્કોર ધરાવતી વ્યક્તિને નામે મેળવેલા ક્રેડિટ કાર્ડથી બૅન્કોને છેતરનારા પકડાયા

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: સારો સિબિલ સ્કોર ધરાવતી વ્યક્તિનો ડેટા પ્રાપ્ત કર્યા પછી તેને આધારે બનાવટી દસ્તાવેજો તૈયાર કરીને મેળવેલા ક્રેડિટ કાર્ડથી બૅન્કો અને ફાઈનાન્સ કંપનીઓને ચૂનો ચોપડનારી ટોળકીને આસામ રાજ્યમાંથી પકડી પાડવામાં આવી હતી.
ક્રાઈમ બ્રાન્ચ યુનિટ-3ના અધિકારીઓએ પકડી પાડેલા આરોપીઓની ઓળખ મોહેબૂર અબ્દુલ રહેમાન (28), અઝરુલ સાદિકુલ ઈસ્લામ (27), ઈલિયાસ રફીકુલ ઈસ્લામ (25), અબુબકર સિદ્દીક રમઝાન અલી (37) અને મોહિનુદ્દીન અહમદ અબ્દુલ મલિક (26) તરીકે થઈ હતી. આરોપીઓને આસામમાં મોરગાંવ જિલ્લાના અલગ અલગ ગામોમાંથી તાબામાં લેવાયા હતા.
આપણ વાંચો: ક્રેડિટ કાર્ડ યુઝર્સને SCનો ઝટકો, જો સમયસર બિલ નહીં ચૂકવે તો હવે વધુ બિલ ચૂકવવું પડશે
પોલીસના જણાવ્યા મુજબ એક ખાનગી બૅન્કના વાઈસ પ્રેસિડેન્ટે આ પ્રકરણે ગયા વર્ષે આઝાદ મેદાન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં જણાવાયું હતું કે બનાવટી પૅન કાર્ડ અને અન્ય બોગસ દસ્તાવેજોને આધારે ફરિયાદીની બૅન્કમાંથી પંચાવન ક્રેડિટ કાર્ડ પ્રાપ્ત કરવામાં આવ્યાં હતાં.
બાદમાં આ કાર્ડનો ઉપયોગ કરીને બૅન્ક સાથે 1.26 કરોડ રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી હતી. ફરિયાદને આધારે પોલીસેે ગુનો નોંધ્યો હતો, જેની સમાંતર તપાસ ક્રાઈમ બ્રાન્ચે હાથ ધરી હતી.
તપાસમાં પોલીસને જાણવા મળ્યું હતું કે આ ટોળકી જે વ્યક્તિનો સિબિલ સ્કોર સારો હોય તેના ડેટા પ્રાપ્ત કરતા હતા. બાદમાં એ વ્યક્તિને નામે તૈયાર કરાયેલા બનાવટી પૅન કાર્ડ અને અન્ય દસ્તાવેજો આધાર કાર્ડ સેન્ટરમાં જમા કરાવતા હતા. આ દસ્તાવેજોની મદદથી આધાર કાર્ડ મેળવીને પછી બોગસ દસ્તાવેજોની મદદથી ક્રેડિટ કાર્ડ પ્રાપ્ત કરતા હતા.
આપણ વાંચો: આ બેંકના ક્રેડિટ કાર્ડ ધારકોના ખિસ્સા પર બોજ વધશે, બેંકે લીધો આવો નિર્ણય
આ રીતે પ્રાપ્ત કરેલા ક્રેડિટ કાર્ડને કારણે ફ્રોડ કરનારી વ્યક્તિની ઓળખ સંપૂર્ણ રીતે છૂપી રહેતી હતી. બાદમાં ક્રેડિટ કાર્ડની મદદથી ઑનલાઈન ખરીદી કરવામાં આવતી હતી અને રોકડ રકમ બીજા બોગસ બૅન્ક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવતી. આ રીતે સંબંધિત બૅન્કને ચૂનો ચોપડવામાં આવતો હતો.
પોલીસે ગુનામાં વપરાયેલા બૅન્ક ખાતાનાં સ્ટેટમેન્ટ, ક્રેડિટ કાર્ડનો ઉપયોગ જે સ્થળે કરાયો ત્યાંના સીસીટીવી કૅમેરાનાં ફૂટેજ અને મોબાઈલ નંબરનો ટેક્નિકલ અભ્યાસ કરીને મુખ્ય આરોપી અને તેના સાથીઓની ઓળખ મેળવી હતી. શકમંદો આસામના વતની હોવાની ખાતરી થઈ હતી. આરોપીઓ વિરુદ્ધ પુરાવા હાથ લાગ્યા પછી પોલીસની એક ટીમ આસામ ગઈ હતી.
આસામની મોરગાંવ પોલીસની મદદથી પોલીસે જિલ્લાનાં પાંચ ગામમાં રાતના સમયે સર્ચ ઑપરેશન હાથ ધયું હતું. અંતરિયાળ ભાગમાં આવેલા આ ગામ અતિસંવેદનશીલ અને ગુનેગારીનો અડ્ડો બની ગયાં હોવાનું જાણવા મળ્યું હતું. સ્થાનિક પોલીસની મદદથી બુધવારે પાંચ આરોપીને પકડી પાડવામાં આવ્યા હતા. આરોપીઓએ આ રીતે અન્ય બૅન્કો અને ફાઈનાન્સ કંપનીઓને પણ છેતરી હોવાનું તપાસમાં જણાયું હતું.