આ તો શિવાજી મહારાજના શૌર્યનું અપમાન: એકનાથ શિંદે
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: લંડનના વિક્ટોરિયા એન્ડ આલ્બર્ટ મ્યુઝિયમમાં રહેલા વાઘનખ મહારાષ્ટ્રમાં લાવવામાં આવ્યા છે અને આ વાઘનખ સાથે શિવાજી મહારાજ દ્વારા ઉપયોગમાં લેવામાં આવેલા શસ્ત્રોનું સાતારામાં ‘શિવશસ્ત્રશૌર્યગાથા’ પ્રદર્શન આયોજિત કરવામાં આવ્યું હતું તેનું ઉદ્ઘાટન કરતાં એકનાથ શિંદેએ કહ્યું હતું કે આ વાઘનખ અંગે શંકા ઉપસ્થિત કરવું એટલે છત્રપતિ શિવાજી મહારાજના શૌર્યનું અપમાન કરવા સમાન છે.
એકનાથ શિંદેએ કહ્યું હતું કે આજે હું રાજ્યના મુખ્ય પ્રધાન તરીકે નહીં, છત્રપતિ શિવાજી મહારાજના એક માળવા તરીકે અહીં આવ્યો છું. આજે સેંકડો માઈલનો પ્રવાસ કરીને આ વાઘનખ મરાઠી ભૂમિ પર દાખલ થયા છે. આને માટે સુધીર મુનગંટીવારે ઘણી મહેનત કરી છે. આથી જ આજે આપણને આ વાઘનખના દર્શન થઈ રહ્યા છે. આને માટે હું મુનગંટીવારનો આભાર માનું છું.
આ પણ વાંચો: સરકારી યોજનાના અમલમાં ગેરરીતિઓ ન થાય એનું ધ્યાન રાખો: એકનાથ શિંદે
કેટલાક લોકો આ વાઘનખ પર શંકા ઉપસ્થિત કરી રહ્યા છે. આ આપણું કમનસીબ છે. છત્રપતિ શિવાજી મહારાજે જે વાઘનખથી અફઝલખાનના આંતરડા બહાર ખેંચી કાઢ્યા હતા તે વાઘનખ આવે છે તે સાંભળીને બધાને ગૌરવ થવું જોઈએ, પરંતુ કેટલાક લોકોને ફક્ત રાજકારણ કરવું છે. સારા કામને કલંક લગાવવાના પ્રયાસ થઈ રહ્યા છે. વાઘનખ પર શંકા ઉપસ્થિત કરવી એટલે શિવાજી મહારાજના શૌર્ય અને પરાક્રમનું અપમાન કરવા સમાન છે.
તેમણે એમ પણ કહ્યું હતું કે આ વાઘનખને હવે રાજ્યના બધા જ લોકો નિહાળી શકશે. તેમને વાઘનખના જ નહીં છત્રપતિ શિવાજી મહારાજના શૌર્ય અને પરાક્રમના દર્શન થશે.
તેમણે એમ પણ કહ્યું હતું કે આજે મને આ વાઘનખ ભેટ આપવામાં આવ્યા છે, વાસ્તવમાં મેં જે ઘા આપ્યા છે કેટલાક લોકોને તે દેખાતા નથી અને તેઓ મોં ખોલીને બેઠા છે, કહી પણ શકતા નથી. આ વાઘનખનો યોગ્ય સમયે ચોક્કસ ઉપયોગ કરવામાં આવશે એમ પણ તેમણે કહ્યું હતું.