BMCની ચૂંટણીમાં ભાજપના આ નેતાની જીત નક્કી: વિપક્ષે આપી લીલી ઝંડી…

મુંબઈ: બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC) ની ચૂંટણી 15 જાન્યુઆરીના રોજ યોજાવાની છે. મુંબઈમાં યોજાનારી આ ચૂંટણી માટે હાલ તમામ પક્ષો જોરશોરથી તૈયારીઓ કરી રહ્યા છે. જોકે, આ તૈયારી વચ્ચે ભાજપનો એક નેતા જીતની નજીક પહોંચી ગયો છે. એવું લાગી રહ્યું છે કે, વિપક્ષના નેતાઓએ આ નેતાને જીત માટે લીલી ઝંડી આપી દીધી છે. આ નેતા કોણ છે, આવો જાણીએ.
વોર્ડ નંબર-107માં ભાજપની જીત નિશ્ચિત?
મહારાષ્ટ્રના રાજકારણમાં ભાજપના દિગ્ગજ નેતા કિરીટ સોમૈયા “ભ્રષ્ટાચાર વિરોધી યોદ્ધા” તરીકે જાણીતા છે. આગામી સમયમાં યોજાનારી BMCની ચૂંટણીમાં મુલુંડના વોર્ડ નંબર-107 માટે ભાજપ દ્વારા કિરીટ સોમૈયાના દીકરા નીલ સોમૈયાને મેન્ડેટ આપવામાં આવ્યું છે. મુલુંડના વોર્ડ નંબર-107 પર નીલ સોમૈયાની જીત સ્પષ્ટપણે દેખાઈ રહી છે. કારણ કે, એક તરફ જ્યાં નીલ સોમૈયાને એકનાથ શિંદેની શિવસેના તરફથી સમર્થન પ્રાપ્ત છે, ત્યાં બીજી તરફ આ બેઠક પર શિવસેના(યુબીટી), મનસે, કૉંગ્રેસ કે NCP સહિતના વિપક્ષે પોતાના કોઈ ઉમેદવાર જાહેર કર્યો નથી.
આગામી સમયમાં પોતાના દીકરાની જીતને જોતા કિરીટ સોમૈયાએ જણાવ્યું કે, BMCની ચૂંટણીમાં વોર્ડ-107 મુલુંડમાં નીલ સોમૈયા સામે ઉમેદવાર ન ઊભો રાખવા માટે ઠાકરે બંધુઓ, રાહુલ ગાંધી કૉંગ્રેસ, શરદ પવાર એનસીપીનો આભાર.
આ પણ વાંચો…રાજ્યની ૨૯ મહાનગરપાલિકાની ચૂંટણીમાં ૪૪ ઉમેદવારો બિનહરીફ ચૂંટાયા…
9 અપક્ષ ઉમેદવારો સાથે થશે મુકાબલો
ઉલ્લેખનીય છે કે, મુંબઈમાં અગ્રણી ગણાતા વિપક્ષોએ નીલ સોમૈયા સામે ભલે પોતાનો ઉમેદવાર ઊભો રાખ્યો નથી. પરંતુ હજુ પણ એવા 9 અપક્ષ ઉમેદવારો છે, જે વોર્ડ નંબર-107 મુલુંડમાંથી ચૂંટણી લડી રહ્યા છે. તેથી આ 9 અપક્ષ ઉમેદવારો સાથે નીલ સોમૈયાએ મુકાબલો કરવો પડશે. અત્રે, નોંધનીય છે કે, 2017માં યોજાયેલી BMCની ચૂંટણીમાં નીલ સોમૈયા વોર્ડ નંબર-107 મુલુંડમાંથી પહેલીવાર ચૂંટાઈ આવ્યા હતા.



