મુંબઇ પોલીસના કાર્યક્રમ UMANG-2023માં હાજર રહ્યા આ સેલેબ્સ..
મુંબઇ: JIO વર્લ્ડ કન્વેશન સેન્ટરમાં મુંબઇ પોલીસની મોટી વાર્ષિક ઇવેન્ટ UMANG શોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બોલીવુડના દિગ્ગજ કલાકારોએ હાજરી આપી હતી. એક તરફ, દીપિકા પાદુકોણ, રવિના ટંડન, કિયારા અડવાણી અને ભૂમિ પેડનેકર જેવી અભિનેત્રીઓએ તેમના દેખાવથી ઇવેન્ટમાં ગ્લેમર ઉમેર્યું હતું.
બીજી તરફ બોલિવૂડના કિંગ ખાને તેની જોરદાર એન્ટ્રી અને ભાઈજાનના જબરદસ્ત ડાન્સથી ઈવેન્ટમાં આકર્ષણ જમાવ્યું હતું. રણવીર સિંહ, સિદ્ધાર્થ મલ્હોત્રા સહિત અનેક જાણીતા કલાકારો આ ઇવેન્ટનો ભાગ બન્યા હતા.
આ ઇવેન્ટનો સલમાન ખાનનો એક વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાઇરલ થઇ રહ્યો છે, જેમાં તે દિગ્ગજ સિંગર ઉથા ઉથુપને ઉષ્માપૂર્વક ભેટી રહ્યો છે. એક પાપારાઝી દ્વારા શેર કરવામાં આવેલા વીડિયોમાં સલમાન ખાન નેવી બ્લુ રંગના શર્ટ, બ્લેક પેન્ટ અને બ્લેક બ્લેઝરમાં જોવા મળી રહ્યો છે.
કાર્યક્રમમાં પ્રવેશતી વખતે ઉષા ઉથુપને જોતાવેત તે તેમને ભેટી પડે છે અને બંનેને વાત કરતા જોઈ શકાય છે. પીઢ ગાયક માટે સલમાનની આ ચેષ્ટાને જોઇને ચાહકો સોશિયલ મીડિયામાં ભરપૂર વખાણ કરી રહ્યા છે.
અક્ષય કુમાર અને ટાઇગર શ્રોફે પોલીસ વાનમાં બેસીને એન્ટ્રી લીધી હતી. આ દરમિયાન બંને કલાકારો વચ્ચે જબરદસ્ત બોન્ડિંગ જોવા મળ્યું હતું. મુંબઇ પોલીસ દળ જે મુંબઇકરોની સુરક્ષા માટે સતત કાર્યરત રહેતી હોય છે, તેમને સન્માન આપવાના અને તેમનું મનોરંજન કરવાના ઉદ્દેશ્યથી દર વર્ષે ઉમંગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. જેમાં અનેક બોલીવુડ સેલેબ્સ ઉપસ્થિત રહે છે.