સ્વાદિષ્ટ જમવાનું નહીં બનાવતા દીકરો બન્યો ઘાતકી, ભર્યું આ ક્રૂર પગલું

મુંબઈઃ મહારાષ્ટ્રના થાણેમાં એક દીકરાએ પોતાની માતાએ આપેલું જમવાનું ન ભાવતા ધારદાર હથિયાર વડે વાર કરી માતાને મોતને ઘાટ ઉતારી હતી. મળેલી માહિતી મુજબ મહિલાએ તેના દીકરાને જમવાનું આપ્યું હતું, પણ જમવાનું ટેસ્ટ નહીં હોવાથી તેણે તેની માતા સાથે ઝઘડો કર્યો હતો, ત્યારબાદ બંને વચ્ચે વિવાદ વકરી ગયા પછી દીકરાએ માતાની ગરદન પર હુમલો કર્યો હતો. આ હુમલામાં મહિલાનું મોત થયું હોવાનું પોલીસે જણાવ્યું હતું.
દીકરાએ તેની માતા પર હુમલો કર્યા પછી ખૂદ ઉંઘની ગોળીઓ ખાઈ લીધી હતી, ત્યારબાદ બીજા રુમમાં જઈને સૂઈ ગયો હતો. દીકરાને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. પોલસે મહિલાના મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે મોકલી હતી. હોસ્પિટલમાં આરોપીને ભાન આવતા તેની સાથે પૂછપરછ કરવામાં આવી રહી હતી, એમ પોલીસે જણાવ્યું હતું.
મૃતક મહિલાના પાડોશીઓએ આ ઘટનાની જાણ પીલીસને કરી હતી. પોલીસે આરોપી દીકરાને નજરકેદ હેઠળ રાખ્યો છે અને તેની પૂછપરછ ચાલી રહી હોવાનું પોલીસે જણાવ્યું હતું. આ ઘટના રવિવારે સાંજે મુરબાડના વેલુ ગામમાં બની હતી. 55 વર્ષની મહિલાએ તેના દીકરાને જમવાનું આપ્યું અને તેનો સ્વાદિષ્ટ નહીં લાગતા બંને વચ્ચે ઝઘડો થયો હતો. આ વિવાદ વકરી ગયા પછી દીકરાએ માતાની ઘાતકી રીતે હત્યા કરી નાખી હતી.
આરોપીને હત્યાનું કારણ પૂછતાં તેણે કહ્યું કે મારી માં મને સ્વાદિષ્ટ જમવાનું આપતી નહોતી, તેથી હું ગુસ્સે થતાં અમારી વચ્ચે ઝઘડો થયો હતો અને મેં તેના પર દાતરડા વડે હુમલો કર્યો હતો. આરોપી હોસ્પિટલમાં દાખલ હોવાથી તેની ધરપકડ કરવામાં આવી નથી અને આ મામલે આગળની કાર્યવાહી કરવામાં આવી રહી છે, એમ પોલીસે જણાવ્યું હતું.