પ્રોપર્ટી ટેક્સ નહીં ભરનારાની પાલિકાએ યાદી બહાર પાડી પણ રુપિયો મળ્યો નહીં, હવે…
મુંબઈ: પ્રોપર્ટી ટૅક્સ નહીં ભરનારા લોકો પાસેથી ટૅક્સની વસૂલી કરવા માટે મુંબઈ પાલિકા દરેક પ્રયત્ન કરી રહ્યું છે, પણ પરિસ્થિતિ જૈસે થે રહી છે. છેલ્લા 15 દિવસથી શહેરના ટૉપ-10 પ્રોપર્ટી ટૅક્સ ન ભરનાર લોકો અને કંપનીની યાદી જાહેર કરવામાં આવી છે તેમ છતાં પાલિકા પાસે ટૅક્સનો એક પણ રૂપિયો જમા થયો નથી, તેથી આગામી દિવસોમાં પાલિકા પ્રશાસન વધુ આક્રમક કાર્યવાહી કરે તો નવાઈ રહેશે નહીં.
મુંબઈમાં પ્રોપર્ટી ટૅક્સ નહીં ભરનારાની યાદીમાં અનેક મોટા વેપારીઓ, હાઉસિંગ સોસાયટી, સંસ્થાઓ સાથે અનેક લોકોનું નામ પણ સામેલ છે. છેલ્લા 15 દિવસથી પાલિકા દ્વારા 10 ટૅક્સ નહીં ભરનાર લોકોની યાદી બહાર પાડવામાં આવી રહી છે અને તેમને નોટિસ પણ મોકલવામાં આવી રહી છે.
આપણ વાંચો: દુકાનોના નામના પાટિયા મરાઠીમાં નહીં હોય તો ભરવો પડશે બમણો પ્રોપર્ટી ટેક્સ
મુંબઈ મહાનગર પાલિકા દ્વારા અત્યાર સુધીમાં 150 મોટા ટૅક્સ નહીં ભરનારા લોકોના નામ પણ આ યાદીમાં સામેલ કરવામાં આવ્યા છે. આ યાદીમાં બિલ્ડર્સ અને તેમની કંપનીના નામનું પ્રમાણ વધ્યું છે.
જોકે, પાલિકાએ સમયસર ટૅક્સ નહીં ભરનાર પ્રોપર્ટીના માલિકો પર નજર રાખવાનું શરૂ કર્યું છે. નાણાકીય વર્ષ 2023-24 માટે 25 મે 2024 આ પ્રોપર્ટી ટૅક્સ ભરવાની છેલ્લી તારીખ હતી. જોકે અનેક લોકોએ ટૅક્સ ન ભરતા તેમની સામે કડક કાર્યવાહી કરી દંડ વસૂલવામાં આવશે, એવી પાલિકાએ અપીલ કરી હતી.