પ્રદૂષણ સંદર્ભના નિયમોનું ઉલ્લંઘન કરનારા બે કૉન્ટ્રક્ટરને પાલિકાએ ફટકાર્યો બે લાખ રૂપિયાનો દંડ

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈને પ્રદૂષણ મુક્ત કરવાના મુંબઈ મહાનગરપાલિકાના પ્રયાસ પર કૉન્ટ્રેક્ટરો પાણી ફેરવી રહ્યા છે. દંડ ફટકારવાની ચીમકી પણ કૉન્ટ્રેક્ટરો ધોળીને પી ગયા છે. શુક્રવારે પાલિકાએ બે કૉન્ટ્રેક્ટરને નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ દંડયા હતા.
મુંબઈ શહેરમાં પ્રદૂષણને ઘટાડવા માટે મુંબઈ મહાનગરપાલિકાએ ૨૮ નિયમો સાથેની ગાઈડલાઈન બહાર પાડી છે. આ ગાઈડલાઈનનું ઉલ્લંઘન કરનારા બે કૉન્ટ્રેક્ટરોને શુક્રવારે, ૨૯ ડિસેમ્બરના પાલિકા દ્વારા બે લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. આગામી ત્રણ દિવસમાં નિયમોને અમલમાં નહીં મુકવામાં આવે તો આકરા પગલા લેવાની ચીમકી પણ પાલિકા પ્રશાસને આપી છે. પાલિકાએ એમ.ઈ.ઈન્ફ્રા અને એન.સી.એન્ટરપ્રાઈઝ આ બે કૉન્ટ્રેક્ટરને નોટિસ પણ ફટાકરી છે.
મુંબઈ મહાનગરપાલિકાના કમિશનર અને પ્રશાસક ઈકબાલસિંહ ચહલના આદેશ બાદ પ્રદૂષણ મુક્ત મુંબઈ કરવા માટે ગાઈડલાઈન બહાર પાડવામાં આવી છે. એ પાર્શ્ર્વભૂમિ પર પાલિકાના એડિશનલ કમિશનર સુધાકર શિંદે (પશ્ર્ચિમ ઉપનગર) અને ચીફ એન્જિનિયર (રોડ અને ટ્રાફિક) સાથે શુક્રવારે, ૨૯ ડિસેમ્બર, ૨૦૨૩ના રોડ ‘ડી’ વોર્ડમાં ઈન્સપેક્શન કર્યું હતું. એ દરમિયાન તેમને ગ્રાન્ટ રોડ વિસ્તારમાં સ્લેટર રોડ પર ચાલી રહેલા બાંધકામ દરમિયાન પાલિકાએ પ્રદૂષણને નિયંત્રણ બાબતે બહાર પાડેલી ગાઈડલાઈનનું પાલન નહીં કરવામાં આવી રહ્યું હોવાનું ધ્યાનમાં આવ્યું હતું. તેથી બંને કૉન્ટ્રક્ટરને પાલિકાએ દંડ ફટકાર્યો હતો.