પાલિકા પોતાના લક્ષ્યાંકના માત્ર ૫૦ ટકા પ્રોપર્ટી ટેક્સ વસૂલ કરી શકી
નાણાકીય વર્ષ પૂરું થવાને ચાર દિવસ બાકી
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪ પૂરું થવાને માંડ ચાર દિવસ બાકી રહ્યા છે ત્યારે મુંબઈ મહાનગપાલિકા પોતાના લક્ષ્યાંકના માત્ર ૫૦ ટકા પ્રોપર્ટી ટેક્સ વસૂલ કરી શકી છે. પાલિકાની તિજોરીમાં ૨૭ માર્ચ, ૨૦૨૪ સુધીમાં ૨,૨૧૩ હજાર કરોડ રૂપિયાનો પ્રોપર્ટી ટેક્સ જમા થયો હતો ત્યારે ૩૧ માર્ચ, ૨૦૨૪ સુધીમાં પ્રોપર્ટી ટેક્સ ભરી નાખવાની અપીલ બાદ નાગરિકો બિલ ભરવા માટે લાંબી લાઈનો લગાવી રહ્યા હોવાનો દાવો પાલિકા પ્રશાસને કર્યો હતો.
સુધરાઈ દ્વારા ડિસેમ્બર, ૨૦૨૩માં ૨૦ ટકા વધારા સાથેના પ્રોપર્ટી ટેક્સના કામચલાઉ બિલો પાછા ખેંચી લેવામાં આવ્યા હતા. તેથી ચાલુ નાણાકીય વર્ષ માટે પ્રોપટી ટેક્સ માટે અગાઉ ૬,૦૦૦ કરોડ રૂપિયા વસૂલીના લક્ષ્યાંક રાખવામાં આવ્યો હતો, તેમાં સુધારો કરીને ૪,૫૦૦ કરોડ રૂપિયાનો પ્રોપર્ટી ટેક્સનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો હતો.
જોકે મુંબઈગરાને પ્રોપર્ટી ટેક્સ ભરવા માટે ફ્કત એક મહિનાનો જ સમય મળ્યો હતોે, તેને કારણે પાલિકાની રેવેન્યુ કલેકશનમાં મોટો ઘટાડો રહ્યો છે.
આપણ વાંચો: પાલિકાના કમિશનર પછી હવે ચહલની સીએમના Additional Chief Secretary તરીકે નિમણૂક
પાલિકાએ ૧૯ માર્ચ, ૨૦૨૪ સુધીમાં પ્રોપર્ટી ટેક્સના માત્ર ૧,૫૨૨ કરોડ રૂપિયા જ વસૂલ કર્યા હતા. તેથી પ્રોપર્ટી ટેક્સનો લક્ષ્યાંક પૂરો કરવા માટે કર ચૂકવણી અને વસૂલી ખાતાના અધિકારીઓને સાપ્તાહિક રજાના દિવસે પણ કામે લગાડવામાં આવ્યા છે. પ્રોપર્ટી ટેક્સ નહીં ભરનારા ડિફોલ્ટરોને રોજની રોજ નોટિસ મોકલવાની સાથે જ શુક્રવારના પબ્લિક હોલિડે સહિત શનિવાર અને રવિવારી જાહેર રજાના દિવસે પણ નાગરિકો પ્રોપર્ટી ટેક્સ ભરી શકે તે માટે પોતાના નાગરી સુવિધા કેન્દ્રને સવારના આઠ વાગ્યાથી મોડી રાતના ૧૨ વાગ્યા સુધી ચાલુ રાખ્યા છે.
બે અઠવાડિયા પહેલા પાલિકાએ ૧૪૨ ડિફોલ્ટરો તેમના ટેક્સ ભરવાની સૂચના આપી હતી. તો અગ્રણી રિયલ એસ્ટેટ ડેવલપર અને કોર્પોરેટ હાઉસ સહિત ટોચના ૧૦ ડિફોલ્ટરોની યાદી પણ પાલિકા દ્વારા બહાર પાડવામાં આવી હતી. તે પછી તેમાંથી અમુક ડિફોલ્ટરોએ બાકી રહેલી રકમ ભરવાનું વચન આપ્યું હતું. ડિફોલ્ટરો ચૂકવણી કરશે નહીં તો તેમની મિલકત સીલ કરવા સહિતની આકરી કાર્યવાહી કરવાની ચીમકી પણ પાલિકાએ આપી છે.
નોંધનીય છે કે પાલિકાની આવકનો બીજો સૌથી મોટો સ્ત્રોત પ્રોપર્ટી ટેક્સ ગણાય છે, તેથી પાલિકાએ હવે ડિફોલ્ટરો પાસેથી તેમનો બાકી રહેલો ટેક્સ વસૂલ કરવાના પ્રયાસમાં લાગી ગઈ છે.
તેથી પાલિકા દ્વારા વોર્ડ સ્તરે દરરોજ ડિફોલ્ટરોની યાદી બનાવવામાં આવી રહી છે અને વોર્ડ સ્તરે તેમના ઘર તથા ઓફિસે જઈને તેમને ટેક્સ ભરી દેવા માટે સમજાવવામાં આવી રહ્યા છે. પાલિકાના અધિકારીના જણાવ્યા મુજબ પ્રોપર્ટી ટેક્સના બિલ ૨૭ ફેબ્રુઆરીના બહાર પાડવામાં આવ્યા છે, એટલે કરદાતાઓ ૨૫ મે સુધી તેમના બિલ ભરી શકે છે.