કેમ છે નીલેશ?

વડા પ્રધાન મોદીસાહેબની સ્મરણશક્તિને નતમસ્તક થવું પડે: ‘મુંબઈ સમાચાર’ના દ્વિશતાબ્દી કાર્યક્રમના લગભગ ત્રણ વર્ષ અને ચાર મહિના પછી મળ્યા ત્યારે ‘મુંબઈ સમાચાર’ના તંત્રીને એકથી એક મહાનુભાવો વચ્ચે પોતીકા પ્રેમ સાથે બોલાવ્યા…
મુંબઈ: વડા પ્રધાન નરેન્દ્ર મોદીસાહેબની સ્મરણશક્તિ અને નામો યાદ રાખવાની અદ્ભુત ક્ષમતા વિશે ઘણું કહેવાયું છે, પણ એનો પ્રત્યક્ષ પરિચય ‘મુંબઈ સમાચાર’ને થયો ગઈ કાલે મહારાષ્ટ્રના રાજભવનમાં. યુ.કે.ના વડા પ્રધાન કીર સ્ટાર્મર સાથેની મોદી સાહેબની બેઠક અને પછી પસંદગીના મહેમાનો સાથે ભોજન સમારંભનું આયોજન રાજભવનમાં કરાયું હતું.
આ બેઠકમાં મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ, નાયબ મુખ્ય પ્રધાનો એકનાથ શિંદે અને અજિત પવાર તેમ જ ટોચના ઉદ્યોગપતિઓ સાથે ‘મુંબઈ સમાચાર’ના તંત્રી નીલેશ દવે સહિતના બહુ ઓછા પત્રકારોને આમંત્રણ હતું.
આ જ કાર્યક્રમ દરમ્યાન મોદીસાહેબે ‘મુંબઈ સમાચાર’ના તંત્રી નીલેશ દવેને થોડે દૂરથી જોયા અને તરત પોતાપણાના ઊમળકા સાથે પૂછ્યું કે, કેમ છે નીલેશ?
મોદીસાહેબ 14મી જૂન, 2022એ ‘મુંબઈ સમાચાર’ને 200 વર્ષ પૂરાં થયાં એ સંદર્ભે યોજાયેલા કાર્યક્રમમાં આવ્યા હતા અને એમાં નીલેશ દવેને મળ્યા હતા. એ પછી ‘મુંબઈ સમાચાર’ના મેનેજિંગ ડિરેક્ટર શ્રી. એચ. એન. કામાને પદ્મભૂષણ ખિતાબથી નવાજવામાં આવ્યા એ કાર્યક્રમમાં અલપઝલપ મુલાકાત થઈ હતી. જોકે, આટલા લાંબા સમય પછી પણ તેમણે ગુજરાતીઓના લાડીલા અખબાર ‘મુંબઈ સમાચાર’ અને તેના તંત્રીને યાદ રાખ્યા. બે સૈકાથી વધુ જૂના ‘મુંબઈ સમાચાર’ અખબાર માટે આ ગૌરવની ક્ષણ છે કે મોદીસાહેબે આ વિશ્ર્વસનીય અખબારને યાદ રાખ્યું છે. આ મહામાનવને ખરેખર નતમસ્તક થવું પડે.