જખમીઓને ચાદરમાં બાંધી બે કિલોમીટર દૂર લઇ જવાની ફરજ પડી
જોરદાર વરસાદના કારણે ઘર તૂટી પડતા અનેક જખમી

મુંબઈ: થાણેના શાહપુર તાલુકાની વેહાલોંડે ગ્રામપંચાયત અંતર્ગત આવનારા સાપટેપાડા ખાતે ચોંકાવનારી ઘટના બની હતી. ગુરુવારે રાત્રે આવેલા જોરદાર વરસાદને કારણે અહીંના અમુક ઘરો તૂટી પડ્યા હતા અને આ ઘટનામાં અનેક લોકો જખમી થયા હતા.
જોકે, આ ઘટનામાં ગંભીર રીતે જખમી થયેલા ત્રણ લોકોને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવા પડે તેવી સ્થિતિ હોઇ તેમને ચાદરમાં લપેટીને બે કિલોમીટર દૂર પગપાળા લઇ જવાની ફરજ પડી હતી.
ત્ર્યંબક પાચાલકર નામના વ્યક્તિનું ઘર પણ તોફાની વરસાદના કારણે ધ્વસ્ત થયું હતું અને તેમના કુટુંબના ત્રણ જણ તેમાં અત્યંત ગંભીરપણે જખમી થયા હતા. જોકે મુખ્ય રસ્તા સુધી જવા માટે પાક્કો રસ્તો ન હોવાના કારણે રાત્રે 11 વાગ્યે ધોધમાર વરસાદમાં ચાદરમાં લપેટીને તેમને બે કિલોમીટર દૂર મુખ્ય રસ્તા સુધી લઇ જવામાં આવ્યા હતા.
આ પણ વાંચો: મુંબઈ, આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદ ચાલુ, અંધેરી સબવે બંધ
મુખ્ય રસ્તા પર પહોંચ્યા બાદ ખાનગી વાહનમાં જખમીઓને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ ઘટના સામે આવતા થાણે જિલ્લાના ગ્રામીણ વિસ્તારોમાં રસ્તાની કનેક્ટિવિટીનો પ્રશ્ન તેમ જ ગ્રામ વિસ્તારોમાં પ્રાથમિક ઉપચાર કેન્દ્રની સુવિધા ન હોવાનો પ્રશ્ર્ન ફરી સામે આવ્યો છે.
થાણે શહેર વિસ્તારમાં રસ્તાઓ તેમ જ હોસ્પિટલની નવી અને અત્યાધુનિક સુવિધાઓ ઊભી કરવામાં આવી રહી છે ત્યારે ગ્રામીણ વિસ્તારો તરફ દુર્લક્ષ સેવવામાં આવી રહ્યું હોવાની ફરિયાદ કરવામાં આવી રહી છે.