સીએસએમટી-પરેલ વચ્ચે પાંચમી-છઠ્ઠી લાઈન શરુ થવાના વર્તારા, પણ
મુંબઈ: છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ (સીએસએમટી)થી પરેલ દરમિયાન પાંચમી અને છઠ્ઠી લાઇન માટે નવેસરથી અભ્યાસ હાથ ધરવામાં આવ્યો છે. સીએસએમટી વિસ્તારમાં જગ્યાના અભાવે હાર્બર લોકલ સેન્ડહર્સ્ટ રોડ સ્ટેશન સુધી જ દોડાવવાનો પ્રસ્તાવ રેલવેએ તૈયાર કર્યો છે અને એ અંગેની ચકાસણી શરૂ કરવામાં આવી છે. તેથી સીએસએમટી પરના હાર્બર લાઇનના પ્લેટફોર્મનો ઉપયોગ વધારાના પ્લેટફોર્મ તરીકે થશે.
આ સિવાય ભાયખલાની જગ્યાની મર્યાદા ધ્યાનમાં રાખીને ફાસ્ટ લોકલ માટેના પ્લેટફોર્મને તોડીને તે જગ્યાએ વધારાનો માર્ગ બનાવવામાં આવશે તેથી, ફાસ્ટ લોકલનો ભાયખલા હોલ્ટ રદ કરવાનો પણ અભ્યાસ ચાલી રહ્યો છે.
એમયુટીપી-૨ હેઠળ સીએસએમટીથી કુર્લા પાંચમી-છઠ્ઠી લાઇન માટ ૨૦૦૮માં મંજૂરી આપવામાં આવી હતી. રેલવે ટ્રેકની આસપાસ જગ્યાના અભાવે સીએસએમટીથી પરેલ અને કુર્લાથી પરેલ એમ બે તબક્કામાં પ્રકલ્પ અમલમાં મૂકવામાં આવ્યો છે.
આ પણ વાંચો: મુંબઈ સેન્ટ્રલ ‘ટર્મિનસ’નું નામ બદલવાની આ નેતાએ કરી માગણી
સીએસએમટીથી પ્લેટફોર્મ નં. ૧ અને ૨ પરથી પનવેલ/વાશી/અંધેરી હાર્બર લોકલ દોડેછે. આ તમામ હાર્બર લોકલ સેન્ડહર્સ્ટ રોડ સુધી દોડાવવામાં આવશે અને ત્યાંથી જ હાર્બરની ટ્રેનો છૂટશે. તેથી સીએસએમટીના પ્લેટફોર્મ નંબર ૧થી ૭ મુખ્ય લાઇન માટે વાપરવામાં આવશે.
ભાયખલાથી ફાસ્ટ લોકલ માટેના પ્રવાસીઓ ઓછા છે, તેથી ફાસ્ટ લોકલ માટેનો પ્લેટફોર્મ તોડીને ત્યાં નવી લાઇન નાખવામાં આવશે. ઓછા ખર્ચે અને સમયસર પ્રકલ્પ પૂર્ણ કરવા માટે આ માત્ર એક જ પર્યાય છે.
સેન્ડહર્સ્ટ રોડ સ્ટેશને હાર્બર લાઇન એલિવેટેડ અને મુખ્ય લાઇન જમીન પર છે, તેથી હાર્બરથી સીએસએમટી સુધી પ્રવાસ કરવા ઇચ્છતા લોકોને મુખ્ય લાઇનથી ટ્રેન પકડીને સીએસએમટી આવવું પડશે. આ પર્યાય જૂના પર્યાય કરતા વધુ સારો છે.