મુંબઈ હાઈ કોર્ટે બંધને ગેરકાયદે જાહેર કર્યા બાદ કરાઈ જાહેરાત
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈ હાઈ કોર્ટ દ્વારા આપવામાં આવેલા આદેશને પગલે એનસીપી (એસપી)ના પ્રમુખ શરદ પવારે શુક્રવારે શનિવારના બંધને પાછો ખેંચવાની અપીલ કરી હતી. રાજ્યની વિપક્ષી મહાવિકાસ આઘાડી દ્વારા આ બંધનું એલાન કરવામાં આવ્યું હતું, જેના એક મુખ્ય ઘટકપક્ષના પવાર નેતા છે.
બદલાપુરમાં ચાર વર્ષની બે બાળાઓ સાથે શાળાના કર્મચારી દ્વારા કરવામાં આવેલા જાતીય શોષણના વિરોધમાં એમવીએ દ્વારા મહારાષ્ટ્ર બંધની હાકલ કરવામાં આવી હતી. શરદ પવારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર ઉપરોક્ત વાત કરી હતી.
આ પહેલાં હાઈ કોર્ટે રાજકીય પક્ષોને કે વ્યક્તિઓને બંધારરણમાં આપવામાં આવેલા મૂળભૂત અધિકારને નામે મહારાષ્ટ્ર બંધની હાકલ કરવા પર રોક લગાવી હતી. ચીફ જસ્ટિસ ડી. કે. ઉપાધ્યાય અને જસ્ટિસ અમિત બોરકરની ખંડપીઠે કહ્યું હતું કે મહારાષ્ટ્ર સરકારે બંધને રોકવા માટે અસરકારક પગલાં લેવા જોઈએ.
આ પણ વાંચો: Badlapur child abuseઃ આરોપીનો કેસ નહીં લડવાની વકીલોની જાહેરાત, MVAએ કર્યું મહારાષ્ટ્ર બંધનું એલાન…
શરદ પવારે કહ્યું હતું કે સમયની મર્યાદાને કારણે હાઈ કોર્ટના ચુકાદા વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં અપીલ કરવાનું શક્ય નથી. ભારતીય ન્યાયતંત્ર બંધારણીય સંસ્થા છે અને તેમના દ્વારા આપવામાં આવેલા આદેશના સન્માનમાં બંધને પાછો ખેંચી લેવામાં આવે છે.
શરદ પવારે એમ પણ કહ્યું હતું કે બદલાપુરમાં ઘટેલી શરમજનક ઘટના પર લોકોના આક્રોશને સરકાર સુધી પહોંચાડવા માટે બંધનું એલાન કરવામાં આવ્યું હતું.