હત્યાના કેસમાં પકડાયેલા આરોપીએ વધુ એક યુવકની હત્યાની કબૂલાત કરી

મુંબઈ: રિક્ષા ડ્રાઈવરની હત્યાના કેસમાં ધરપકડ કરાયેલા આરોપીએ ત્રણ મહિના અગાઉ પણ એક યુવકની હત્યા કરી મૃતદેહ નવી મુંબઈમાં ફેંકી દીધો હોવાની ચોંકાવનારી કબૂલાત કરી હતી.
શિવાજી નગર પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું હતું કે 12 જાન્યુઆરીએ 23 વર્ષના રિક્ષા ડ્રાઈવરની હત્યા કરી મૃતદેહને કુર્લાની મીઠી નદીમાં ફેંકી દેવામાં આવ્યો હતો. આ કેસમાં ત્રણ આરોપી નફીસ ઉર્ફે કક્કી શરાફત ખાન (36), મૂકેશ શ્યામનારાયણ પાલ (25) અને મોહમ્મદ સાકીર મોહમ્મદ શકીલ શેખ ઉર્ફે જસ્ટિન (23)ની ધરપકડ કરવામાં આવી હતી.
મુખ્ય આરોપીને શંકા હતી કે તેની પત્નીનું મૃતક સાથે અફૅર હતું. શંકાને પગલે રિક્ષા ડ્રાઈવરની હત્યાની યોજના બનાવાઈ હતી. યોજના મુજબ ગળું દબાવી હત્યા કર્યા બાદ મૃતદેહને નદીમાં ફેંકવામાં આવ્યો હતો.
કેસની તપાસ કરી રહેલા ઈન્સ્પેક્ટર જ્ઞાનેશ્ર્વર ગાવશેતેની ટીમે પોલીસ કસ્ટડીમાં રહેલા આરોપીઓની વધુ પૂછપરછ કરી હતી. પૂછપરછ દરમિયાન આરોપીઓએ ઑક્ટોબર, 2023માં કરેલી હત્યાની કબૂલાત કરી હતી.
ગોવંડી પરિસરમાં રહેતા કબીર ઉર્ફે પાપા કરીમુલ્લા ઈદ્રિસી (24)એ આરોપી નફીસ ખાન પાસેથી ઊછીના રૂપિયા લીધા હતા. રૂપિયા પાછા ન આપનારા ઈદ્રિસીની હત્યા કરી નફીસે તેના સાથી જસ્ટિન, ઈમરાન અહમદ ઉર્ફે ઈમ્પો શબ્બીર અહમદ ખાન (29) અને અતિક મેમણ (27)ની મદદથી મૃતદેહને નવી મુંબઈની એક ગટરમાં ફેંકી દીધો હતો.
આ પ્રકરણે પોલીસે આરોપીઓ વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. આરોપીઓ પાસેથી દેશી બનાવટની બે પિસ્તોલ અને અમુક ચાકુ પણ જપ્ત કર્યાં હતાં.