બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં અવરોધઃ થાણેમાં ખેડૂતોનો વિરોધ, ભૂખ હડતાળ પર ઉતર્યા, જાણો તેમની માંગ?

મુંબઈઃ મુંબઈ સહિત સમગ્ર મહારાષ્ટ્રમાં પણ બુલેટ ટ્રેનનું કામ ઝડપી ગતિએ ચાલી રહ્યું છે ત્યારે પ્રસ્તાવિત પ્રોજેક્ટમાં થાણેમાંથી અવરોધનું નિર્માણ કરવાના અહેવાલ છે. થાણે જિલ્લાના ગ્રામજનોએ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ સામે વિરોધ પ્રદર્શન શરૂ કર્યું છે. દિવામાં 2,000 ખેડૂતોએ ફરિયાદ નોંધાવી છે, જ્યારે ભિવંડીમાં ખેડૂતોએ પ્રોજેક્ટ સામે ક્રમિક ભૂખ હડતાળ શરૂ કરી છે.
ખેડૂતોનો આરોપ છે કે પ્રોજેક્ટનો મુસદ્દો તૈયાર કરતા પહેલા તેમને વિશ્વાસમાં લેવામાં આવ્યા નહોતા. દિવાના આશરે 2,000 ખેડૂતોને આ પ્રોજેક્ટને કારણે ભૂમિહીન થવાની શંકા છે, તેથી ગુસ્સે ભરાયેલા ખેડૂતોએ થાણે મ્યુનિસિપલ કોર્પોરેશન મુખ્યાલયના નાગરિક સુવિધા કેન્દ્રમાં પોતાની ફરિયાદ નોંધાવી છે.
ખેડૂતોનું કહેવું છે કે દિવાના દાતીવલી, મ્હાતરડી, અગાસણ અને કલ્યાણ-ડોમ્બિવલી મ્યુનિસિપલ કોર્પોરેશનના આયરે, કોપર, નંદિવલી, ભોપર અને કટાઈ ગામના ખેડૂતોની જમીન બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે ઉપયોગમાં લેવાઈ રહી છે. શિવસેના (યુબીટી)ના એડ. રોહિદાસ મુંડે અને શિંદે શિવસેનાના ભૂતપૂર્વ કોર્પોરેટર રમાકાંત મઢવીએ આ અંગે નારાજગી વ્યક્ત કરી છે. તેમણે ખેડૂતો માટે ન્યાયની માંગ કરી છે અને આંદોલનને વધુ ઉગ્ર બનાવવાની ચીમકી આપી છે.
ભિવંડી તાલુકાના અંજુર વિસ્તારમાં બુલેટ ટ્રેન કારશેડ બનાવવામાં આવી રહ્યો છે, જેના કારણે સ્થાનિક ગ્રામજનોની મુશ્કેલીઓમાં વધારો થયો છે. ભરોડીના ગ્રામજનોએ બુલેટ ટ્રેનનું કામ અટકાવવા માટે ક્રમિક ભૂખ હડતાળ શરૂ કરી છે. આ આંદોલન સરપંચ વિલાસ પાટીલ, ડેપ્યુટી સરપંચ સંગીતા પાટીલ સહતિ અન્ય નેતાઓના નેતૃત્વ હેઠળ શરૂ કરવામાં આવ્યું છે.
ખેડૂતો કહે છે કે ભરોડીમાં મોટાભાગની ખેતીની જમીન ખાડી કિનારે છે, જ્યાં કારશેડની દીવાલ બન્યા પછી, ખેડૂતોને તેમના ખેતરો સુધી પહોંચવા માટે 6 કિલોમીટર લાબું ચક્કર લગાવવું પડશે. વિદ્યાર્થીઓને અંજુરની શાળામાં પગપાળા પહોંચવામાં 10 મિનિટ લાગે છે, પરંતુ કાર શેડના નિર્માણ પછી તેમને તેમના ખભા પર બેગનો ભાર લઈને ઘણા કિલોમીટર ચાલવું પડશે.
ગામજનોની મુખ્ય માંગણીઓ:
· અવરજવર માટે ભૂગર્ભ માર્ગ બનાવો
· ખેડૂતો અને વિદ્યાર્થીઓની સમસ્યાઓનું નિરાકરણ લાવો
· ગામને જોડતો મુખ્ય રસ્તો બનાવો.
· ગ્રામજનો માટે પરિવહનની વ્યવસ્થા કરો.



