થાણેમાં ટોરેસ કૌભાંડ અત્યાર સુધી 11 કરોડ પર પહોંચ્યું:
રોકાણકારોને આગળ આવીને ફરિયાદ નોંધાવવા પોલીસનો અનુરોધ

થાણે: થાણે પોલીસે કરોડો રૂપિયાના ટોરેસ ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડમાં નાણાં ગુમાવનારા રોકાણકારોને આગળ આવીને તેમની ફરિયાદ નોંધાવવા અનુરોધ કર્યો છે.
થાણે પોલીસની ઇકોનોમિક ઓફેન્સ વિંગ (ઇઓડબ્લ્યુ) ટોરેસ કૌભાંડની તપાસ કરી રહી છે, જે જાન્યુઆરીમાં પ્રકાશમાં આવ્યું હતું. મુંબઈ સહિત અન્ય શહેરોમાં ફેલાયેલા આ કૌભાંડમાં અત્યાર સુધી થાણેના 1,400 જેટલા રોકાણકારો ફરિયાદ લઇ આગળ આવ્યા છે, જેમની સાથે 11.12 કરોડ રૂપિયાથી વધુની છેતરપિંડી આચરવામાં આવી છે.
આપણ વાંચો: બેંકના જ નિવૃત્ત કર્મચારી સાથે થયો ફ્રોડઃ ક્રેડિટ કાર્ડમાં પૈસા વધારવાના બહાને પૈસા ગુમાવ્યા…
આસિસન્ટ પોલીસ કમિશનર (ઇઓડબ્લ્યુ) દત્તા ફાબળેએ જણાવ્યું હતું કે કલ્યાણના ખડકપાડા ખાતે જ્વેલરની દુકાન વિરુદ્ધ રાબોડી પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો, જે ટોરેસ બ્રાન્ડ હેઠળ કાર્યરત હતી અને ગ્રાહકો તથા રોકાણકારો સાથે છેતરપિંડી આચરી હતી.
આરોપીઓએ પોતાની પાસેથી અમુક ખરીદીઓ કરવા અને આકર્ષક વળતરો માટે તેમની યોજનામાં રોકાણ કરવા રોકાણકારોને આકર્ષિક કર્યા હતા, પરંતુ ખરીદી અને રોકાણ બાદ આરોપીઓએ પૈસા આપવાનું ટાળ્યું હતું.
થાણેના રહેવાસીએ પોતાની સાથે 4,240 રૂપિયાની છેતરપિંડી થઇ હોવાની ફરિયાદ જાન્યુઆરીમાં નોંધાવ્યા બાદ રાબોડી પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા તથા મહારાષ્ટ્ર પ્રોટેક્શન ઓફ ઇન્ટરેસ્ટ ઓફ ડિપોઝિટર્સ (એમપીઆઇડી) એક્ટ હેઠળ ગુનો દાખલ કરાયો હતો.
આપણ વાંચો: ઓનલાઈન ફ્રોડથી બચવાનો અચૂક ઉપાય, સરકારી વેબસાઈટ તમને બનાવશે સ્કેમપ્રૂફ…
એફઆઇઆરમાં ટોરેસ જ્વેલરી શોપની સ્થાપના કરના પ્લેટિનમ હર્ન પ્રા.લિ.ના સીઇઓ તૌસીફ રિયાઝ, વિક્ટોરિયા કોવેલાંકો, સર્વેશ સુર્વે, અભિજિત ગુપ્તા વિગેરેના નામ આરોપી તરીકે છે.
પાંચ મહિના પૂર્વે મુંબઈમાં સૌપ્રથમ આ કૌભાંડ બહાર આવ્યું હતું. હવે મુંબઇ અને થાણે પોલીસની ઇઓડબ્લ્યુ દ્વારા અલગ અલગ રીતે તપાસ કરવામાં આવી રહી છે. વિદેશી નાગરિકો સહિત અનેક લોકોની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે અનેક ફરાર છે.
ફાબળેએ જણાવ્યું હતું કે થાણેમાં અત્યાર સુધી 1,431 રોકાણકારો ફરિયાદ લઇને આગળ આવ્યા છે. હજી વધુ લોકો સાથે ઠગાઇ થઇ છે. આથી અમે છેતરાયેલા લોકોને આગળ આવીને ફરિયાદ નોંધાવવા માટે અનુરોધ કર્યો છે. (પીટીઆઇ)