ત્રણ બાળકીની જાતીય સતામણી: ટ્યૂશન શિક્ષકને ત્રણ વર્ષની કેદ

થાણે: થાણે જિલ્લાના દીવામાં ટ્યૂશન ક્લાસીસમાં જતી ત્રણ બાળકીની જાતીય સતામણી કરવાના 2019ના કેસમાં થાણેની વિશેષ અદાલતે શિક્ષકને ત્રણ વર્ષની સખત કેદની સજા ફટકારી હતી. આવા કૃત્યની ટીકા કરવી જોઈએ અને તેની સામે સખત હાથે કામ લેવું જોઈએ, એવી નોંધ કોર્ટે કરી હતી.
પ્રોટેક્શન ઑફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઑફેન્સીસ (પોક્સો) ઍક્ટ હેઠળના કેસોની સુનાવણી કરતાં વિશેષ જજ રુબી યુ માલવણકરે 35 વર્ષના આરોપીને ત્રણ વર્ષની કેદ અને 15 હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. ચુકાદાની નકલ રવિવારે ઉપલબ્ધ થઈ હતી.
બીજા ધોરણમાં ભણતી છ વર્ષની બાળકીના પિતાએ નોંધાવેલી ફરિયાદને આધારે 22 નવેમ્બર, 2019ના રોજ દીવામાં રહેતા શિક્ષક વિરુદ્ધ પોલીસે ગુનો નોંધ્યો હતો. ફરિયાદમાં આરોપ કરાયો હતો કે ખાનગી ટ્યૂશન ક્લાસીસનો શિક્ષક બાળકી સાથે ‘અશ્ર્લીલ કૃત્ય’ કરતો નજરે પડ્યો હતો. ક્લાસીસની અન્ય બે વિદ્યાર્થિનીએ પણ આવી જ ફરિયાદ કરી હતી. આરોપી ત્રણેય બાળકીની જાતીય સતામણી કરતો હોવાનું જણાયું હતું.
આપણ વાચો: થાણેની પ્રતિષ્ઠિત સ્કૂલમાં ચાર વર્ષની દીકરીની જાતીય સતામણી કરાઇ: માતા-પિતાનો આક્ષેપ…
જજે વ્યાવસાયિક અદાવત અને ખોટા આરોપના બચાવ પક્ષના દાવાઓને ફગાવી દીધા હતા. કોર્ટે નોંધ્યું હતું ક પીડિતાની જુબાનીમાં કોઈ વિસંગતિ જણાઈ નથી અને તેને નિવેદન નોંધાવવા સંબંધે શીખવવામાં આવ્યું હોવાનું પણ જણાતું નથી.
બાળકીએ આરોપી દ્વારા આચરવામાં આવેલા કૃત્યની પૂરતી માહિતી આપી છે અને એકંદરે તેને આવી જુબાની આપવા શીખવવામાં આવ્યું હતું, એવું કહી શકાય નહીં, એમ કોર્ટે જણાવ્યું હતું.
શિક્ષક હોવા છતાં આરોપીએ ખોટું વર્તન કર્યું. તેની પાસેથી જ્ઞાન મેળવવા આવતી બાળકીઓ સાથે અસભ્ય વર્તન કર્યું અને આવું કરતી વખતે બાળકીઓના મન તેમ જ માનસિકતા પર કેવી નકારાત્મક અસર થશે એનો પણ વિચાર તેણે કર્યો નહોતો. આવા કૃત્યની નિંદા થવી જોઈએ અને તે સિદ્ધ થતાં આવી વિચારસરણી ધરાવતા લોકો સુધી યોગ્ય સંદેશ પહોંચે તે માટે સખત હાથે કામ લેવું જોઈએ, એવી નોંધ કોર્ટે કરી હતી.
વિશેષ સરકારી વકીલ વર્ષા આર. ચાંદણેએ કેસ પુરવાર કરવા ત્રણ પીડિતા સહિત છ સાક્ષી તપાસ્યા હતા. (પીટીઆઈ)



