30.73 લાખની વીજચોરી: 66 જણ વિરુદ્ધ ગુનો

થાણે: થાણે જિલ્લાના ગ્રામીણ વિસ્તારમાં 30.73 લાખ રૂપિયાની વીજચોરી મામલે મહારાષ્ટ્ર સ્ટેટ ઈલેક્ટ્રિસિટી ડિસ્ટ્રિબ્યુશન કંપની લિમિટેડ (એમએસઈડીસીએલ) દ્વારા 66 જણ વિરુદ્ધ ફરિયાદ નોંધાવાઈ હોવાનું વીજ કંપનીના વરિષ્ઠ અધિકારીએ શુક્રવારેજણાવ્યું હતું.
એમએસઈડીસીએલ દ્વારા ટિટવાલા, ઈન્દિરા નગર, ગણેશ વાડી અને બલ્લાની વિસ્તારમાં છેલ્લા બે મહિનામાં ઈન્સ્પેક્શન ઝુંબેશ ચલાવવામાં આવી હતી.
આ પણ વાંચો: ઈન્સ્પેક્શન માટે આવેલા વીજ કંપનીના અધિકારીઓને ફટકાર્યા: ત્રણની ધરપકડ
અધિકારીએ જણાવ્યું હતું કે ટિટવાલા સબ-ડિવિઝનના અધિકારીઓ દ્વારા જુલાઈ અને ઑગસ્ટ મહિનામાં ઝુંબેશ હાથ ધરાઈ હતી. ઝુંબેશ દરમિયાન 66 જગ્યાએ વીજચોરી પકડાઈ હતી. 1,21,000 યુનિટ વીજચોરીને કારણે એમએસઈડીસીએલને 30.73 લાખ રૂપિયાનું નુકસાન થયું હતું.
તપાસમાં એવું જણાયું હતું કે લોકો ગેરકાયદે મીટરને બાયપાસ કરીને અથવા સર્વિસ વાયર સાથે ચેડાં કરીને ગેરકાયદે વીજળી ખેંચી રહ્યા હતા. અમુક કેસમાં તો મીટર લગાવવાને બદલે આરોપીઓ પાવર સપ્લાયમાંથી સીધું વીજજોડાણ મેળવતા હતા. આ ઈલેક્ટ્રિસિટી ઍક્ટના નિયમોનો ભંગ હોવાનું અધિકારીએ જણાવ્યું હતું.
કંપની દ્વારા ઈલેક્ટ્રિસિટી ઍક્ટની સુસંગત કલમો હેઠળ ઔપચારિક ફરિયાદો કરીને 66 જણ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી, એમ અધિકારીએ જણાવ્યું હતું.
(પીટીઆઈ)