ચોરીના અનેક ગુનામાં સંડોવાયેલી આંતરરાજ્ય ટોળકી પકડાઈ...

ચોરીના અનેક ગુનામાં સંડોવાયેલી આંતરરાજ્ય ટોળકી પકડાઈ…

થાણે: થાણેના ગોદામમાંથી 51 લાખ રૂપિયાની સિગારેટ ચોરીના કેસની તપાસ દરમિયાન પોલીસે આંતરરાજ્ય ટોળકીનો પર્દાફાશ કર્યો હતો. પકડાયેલા આરોપીઓની પૂછપરછમાં ચોરીના આઠ ગુના ઉકેલાયા હોવાનો દાવો પોલીસે કર્યો હતો.

ધરપકડ કરાયેલા આરોપીઓની ઓળખ મહેન્દ્ર કુમાર થાનારામ મેઘવાળ (28), ગણેશ ધુલા પાટીદાર અને રાજેશ ઉર્ફે અન્ના બબન કદમ (47) તરીકે થઈ હતી. મેઘવાળ અને પાટીદાર રાજસ્થાનના વતની, જ્યારે કદમ કાંદિવલીનો રહેવાસી હોવાનું પોલીસે જણાવ્યું હતું.

ડીસીપી (ક્રાઈમ) અમરસિંહ જાધવે જણાવ્યું હતું કે જુલાઈમાં રાબોડી વિસ્તારમાંથી થયેલી ચોરીના કેસની તપાસમાં પોલીસ આ ટોળકી સુધી પહોંચી હતી. રાબોડીના ગોદામમાંથી આરોપીઓ 51 લાખ રૂપિયાની સિગારેટ ચોરી ગયા હતા. સીસીટીવી પુરાવા ન રહે તે માટે આરોપીઓ ડીવીઆર પણ ઉઠાવી ગયા હતા.

આરોપીઓએ ચાલાકી વાપરીને ઘટનાસ્થળેથી એક કિલોમીટર દૂર તેમનાં વાહનો પાર્ક કર્યાં હતાં. ચોરીનો સામાન લઈ જવા માટે ટેમ્પોનો ઉપયોગ કરાયો હતો. ચોરીના સ્કૂટર અને બાઈકને ટ્રેસ કરતાં પોલીસને આ ટોળકીની માહિતી મળી હતી.
ચોરી બાદ આરોપી મીરા રોડ તરફ ગયા હોવાનું જાણવા મળતાં ક્રાઈમ બ્રાન્ચની ટીમે તપાસ કરી ત્રણ આરોપીને પકડી પાડ્યા હતા.

થાણે, નવી મુંબઈ, પુણે અને છત્રપતિ સંભાજીનગરમાં નોંધાયેલા આઠ ગુનામાં આરોપીઓની સંડોવણી હોવાનું તપાસમાં જણાયું હતું. જોકે આ ટોળકીએ આવા પ્રકારના અનેક ગુના આચર્યા હોવાની શક્યતા પોલીસે વ્યક્ત કરી હતી. તેમની પાસેથી 10.40 લાખ રૂપિયાની ચોરીની મતા હસ્તગત કરવામાં આવી હતી.

આરોપીઓ જે વિસ્તારમાં ચોરી કરવાના હોય ત્યાંથી પહેલાં વાહન ચોરતા. પછી એ વાહનનો ઉપયોગ ચોરીમાં કરતા અને પછી વાહનને કોઈ પણ સ્થળે છોડી દેતા હતા. ચોરીનો સામાન બીજા રાજ્યમાં વેચવામાં આવતો. મુંબઈમાં વારંવાર પોતાનું લૉકેશન બદલવા આરોપીઓ લોજમાં રહેવાનું પસંદ કરતા, એમ અધિકારીએ જણાવ્યું હતું. (પીટીઆઈ)

આ પણ વાંચો…‘786’ સિરિયલ નંબરની 100ની નોટ વેચવા જતાં મહિલાએ 8.46 લાખ રૂપિયા ગુમાવ્યા

Yogesh C Patel

દોઢ દાયકાથી મુંબઈ સમાચારમાં ક્રાઈમ રિપોર્ટિંગ કરે છે. પત્રકારત્વની કારકિર્દીમાં મહાપાલિકા અને કોર્ટ રિપોર્ટિંગ કરવાની સાથે તેમણે અનેક લેખો લખ્યા છે. આ ઉપરાંત, તેમણે ક્રાઈમ થ્રિલર ‘ડાર્ક સિક્રેટ’ નવલકથા પણ લખી છે. ડાયમંડ માર્કેટમાં બૉમ્બ બ્લાસ્ટ અને 26/11ના આતંકી હુમલા વખતે ઘટનાસ્થળેથી રિપોર્ટિંગ કરવા સાથે નવરાત્રિ જેવી સાંસ્કૃતિક ઇવેન્ટનું પણ… More »

સંબંધિત લેખો

Back to top button