હાઈવે પર લૂંટ ચલાવવા આવેલી ટોળકી શસ્ત્રો સાથે પકડાઈ…

થાણે: મુંબઈ-નાશિક હાઈવે પર વાહનોને રોકી લૂંટ ચલાવવાને ઇરાદે આવેલા ઝારખંડના શંકાસ્પદ નક્સલવાદીઓ સહિત છ જણની પોલીસે ધરપકડ કરી હતી. મળેલી માહિતીને આધારે થાણે ક્રાઈમ બ્રાન્ચની પ્રોપર્ટી સેલના અધિકારીઓએ ખારેગાંવ ટોલ નાકા ખાતે મંગળવારની સાંજે છટકું ગોઠવ્યું હતું. શંકાને આધારે ઝારખંડના રજિસ્ટ્રેશનવાળા વાહનને રોકવામાં આવ્યું હતું.
તપાસ દરમિયાન પોલીસને વાહનમાંથી ત્રણ પિસ્તોલ, ચાર કારતૂસ અને કુહાડી, મરચાંની ભૂકી, દોરડું તેમ જ હાઈવે લૂંટ માટે વપરાતાં સાધનો મળી આવ્યાં હતાં. આરોપીઓએ વાહનને રોકી લૂંટ ચલાવવાની યોજના બનાવી હતી. કીમતી વસ્તુઓ લઈને જતી ટ્રકને ટાર્ગેટ કરવાના હતા.
વાહનમાંથી છ આરોપીને તાબામાં લેવાયા હતા, જેમાંથી પાંચ ઝારખંડના વતની છે. આ પાંચેય નક્સલવાદી હોવાની શક્યતાને પગલે પોલીસે તપાસ હાથ ધરી હતી. આ પ્રકરણે ભારતીય ન્યાય સંહિતાની કલમ 310 અને આર્મ્સ ઍક્ટ તેમ જ મહારાષ્ટ્ર પોલીસ ઍક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. (પીટીઆઈ)