આમચી મુંબઈ

મહત્ત્વના વિકાસ પ્રસ્તાવોની ફાઈલ ગુમ: થાણે પાલિકાના પાંચ કર્મચારી સામે ગુનો

થાણે: થાણે મહાનગરપાલિકાના ટાઉન પ્લાનિંગ વિભાગમાંથી મહત્ત્વના વિકાસ પ્રસ્તાવોની ફાઈલ ગુમ થતાં પોલીસે પાલિકાના પાંચ કર્મચારી વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો. નૌપાડા પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું હતું કે ફાઈલ ગુમ થવાનો મુદ્દો સૌપ્રથમ 18 મહિના અગાઉ સામે આવ્યો હતો. પ્રસ્તાવ સંબંધી દસ્તાવેજોની પ્રમાણિત નકલની માગણી માટે એક રહેવાસીએ રાઈટ ટુ ઈન્ફર્મેશન હેઠળ અરજી કરી હતી.

આરટીઆઈ અરજી કરવામાં આવ્યા પછી થાણે મહાપાલિકા દ્વારા રાજ્ય માહિતી પંચની કોંકણ બૅન્ચ સમક્ષ પહેલી અપીલ કરી હતી, જેમાં જણાવ્યું હતું કે તપાસ ચાલી રહી છે અને ફાઈલ મળી રહી નથી. બાદમાં થાણે પાલિકાએ જુનિયર કર્મચારીઓની બેદરકારીને કારણે ફાઈલ ગુમ હોવાનો દાવો કરતું સોગંદનામું રજૂ કર્યું હતું.

આપણ વાચો: અમલદારશાહીમાં ખોવાઈ બાયોપિક: જ્યોતિબા ફૂલેના જીવન પરની ફાઇલો મંત્રાલયમાંથી ગુમ, એફઆઈઆર નોંધાયો

પાલિકાના એક્ઝિક્યુટિવ એન્જિનિયરની ફરિયાદને આધારે છ જણ વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો હતો, જેમાં રેકોર્ડની જાળવણી રાખનારા, પ્યૂન અને બે ક્લર્કનો સમાવેશ થાય છે. આમાંથી એક કર્મચારીનું 2022માં મૃત્યુ થયું હોવાનું પોલીસનું કહેવું છે.

આ પ્રકરણે મહારાષ્ટ્ર પબ્લિક રેકોર્ડ્સ ઍક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. આ ગુનો 27 જાન્યુઆરી, 2022થી આ વર્ષની ચોથી ડિસેમ્બર દરમિયાન થયો હોવાનું માનવામાં આવે છે. આ મામલે વધુ તપાસ કરવામાં આવી રહી છે, એમ પોલીસે જણાવ્યું હતું. (પીટીઆઈ)

Yogesh C Patel

દોઢ દાયકાથી મુંબઈ સમાચારમાં ક્રાઈમ રિપોર્ટિંગ કરે છે. પત્રકારત્વની કારકિર્દીમાં મહાપાલિકા અને કોર્ટ રિપોર્ટિંગ કરવાની સાથે તેમણે અનેક લેખો લખ્યા છે. આ ઉપરાંત, તેમણે ક્રાઈમ થ્રિલર ‘ડાર્ક સિક્રેટ’ નવલકથા પણ લખી છે. ડાયમંડ માર્કેટમાં બૉમ્બ બ્લાસ્ટ અને 26/11ના આતંકી હુમલા વખતે ઘટનાસ્થળેથી રિપોર્ટિંગ કરવા સાથે નવરાત્રિ જેવી સાંસ્કૃતિક ઇવેન્ટનું પણ… More »

સંબંધિત લેખો

Back to top button