થાણે પાલિકાએ ૬૦૦ કરોડ રૂપિયાનો પ્રોપર્ટી ટેક્સ વસૂલ્યો
(અમારા પ્રતિનિધિ તરફથી)
થાણે: પ્રોપર્ટી ટેક્સ વસૂલી માટે હાથ ધરવામાં આવેલા અભિયાન હેઠળ ડિફોલ્ટરોને દંડમાં માફીની અભય યોજનાને થાણેના નાગરિકોને અભૂતપૂર્વ પ્રતિસાદ મળ્યો છે. પ્રોપર્ટી ટેક્સ વિભાગેે ૧૫ જાન્યુઆરી સુધીમાં ૬૧૦ કરોડ રૂપિયાનો પ્રોપર્ટી ટેક્સ વસૂલ કર્યો છે, જેમાં ૧૧૫ કરોડ રૂપિયાની વર્ષોથી બાકી રહેલા પ્રોપર્ટી ટેક્સની રકમ (એરિયર્સ)નો પણ સમાવેશ થાય છે.
થાણે મહાનગરપાલિકાની અભય યોજના સફળ રહી છે. ગયા વર્ષે ૧૫ ડિસેમ્બરથી લાગુ કરવામાં આવેલી ડિફોલ્ટરોને દંડમાં માફીની અભય યોજનાને નાગરિકોએ સારો પ્રતિસાદ આપ્યો છે. અભય યોજનાના સમયગાળામાં ૪૬.૬૪ કરોડ રૂપિયાનું એરિયર્સ વસૂલ કરવામાં પ્રોપર્ટી ટેક્સ વિભાગને સફળતા મળી છે.
નાગરિકોના પ્રતિસાદને કારણે ૨૦૨૩-૨૪ના આર્થિક વર્ષમાં ૬૦૦ કરોડ રૂપિયા જેટલો પ્રોપર્ટી ટેક્સ વસૂલીનો તબક્કો પાર કરવામાં થાણે પાલિકાને સફળતા મળી છે. ગયા વર્ષે આ સમયગાળામાં ૫૬૦ કરોડ રૂપિયા જેટલો પ્રોપર્ટી ટેક્સ વસૂલ કરવામાં આવ્યો હતો. ચાલુ નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪માં પ્રોપર્ટી ટેક્સના માધ્યમથી કુલ ૭૯૨ કરોડ રૂપિયાનો ટેક્સ વસૂલ કરવાનો લક્ષ્યાંક રાખ્યો છે.
હજી સુધી પ્રોપર્ટી ટેક્સ નહીં ચૂકવનારાઓને ઓનલાઈન બિલ ભરવાની સુવિધાનો લાભ લેવાની અપીલ પણ થાણે પાલિકાએ કરી છે.
થાણે પાલિકા પ્રશાસનના કહેવા મુજબ કરદાતાઓએ અભય યોજનાને સારો પ્રતિસાદ આપ્યો છે. તેથી આગામી ૧૫ દિવસ ૫૦ ટકા દંડ માફીની સુવિધા ઉપલબ્ધ રહેશે. જોકે ત્યારબાદ પણ કર નહીં ચૂકવનારા સામે કાર્યવાહી કરવાની ચેતવણી પાલિકાએ આપી છે, જેમાં મોટી રકમ બાકી હોય તેનાથી કાર્યવાહી કરવાનું ચાલુ કરવામાં આવશે, જે હેઠળ આવા લોકો સામે કાયદેસરની પ્રક્રિયા અંતર્ગત તેમની મિલકતની જપ્તી પણ કરવામાં આવી શકે છે.