રેલવે સ્ટેશનો પર પ્રવાસીઓની કીમતી વસ્તુઓ ચોરનારી ટોળકીના બે પકડાયા

થાણે: મુંબઈ અને થાણેનાં રેલવે સ્ટેશનો પર પ્રવાસીઓની કીમતી વસ્તુઓ ચોરનારી ટોળકીના બે જણની પોલીસે ધરપકડ કરી હતી.
ધરપકડ કરાયેલા આરોપીઓની ઓળખ અફઝલ અહમદ મદારી (23) અને મુસ્તાક નજમુદ્દીન મદારી (21) તરીકે થઈ હતી. બન્નેને નાશિક જિલ્લાના યેવલા તાલુકામાંથી તાબામાં લેવાયા હતા. આરોપીઓ પાસેથી ચોરીના અંદાજે 10 લાખ રૂપિયાના સોનાના દાગીના જપ્ત કરવામાં આવ્યા હતા.
આરોપીઓ રેલવે સ્ટેશનો પર પ્રવાસીઓ પર નજર રાખીને ટાર્ગેટ નક્કી કરતા હતા. પછી તેમની સાથે વાતચીત શરૂ કરી મિત્રતા કરતા હતા. વાતોમાં પરોવી રાખ્યા પછી પ્રવાસીની કીમતી વસ્તુઓ ચોરી રફુચક્કર થઈ જતા હતા. આ ટોળકી થાણે અને મુંબઈનાં સ્ટેશનો પર સક્રિય હોવાની માહિતી મળતાં બન્ને આરોપીને પકડી પાડવામાં આવ્યા હોવાનું સિનિયર ઈનસ્પેક્ટર વિજય ખેડકરે જણાવ્યું હતું.
આ પણ વાંચો: ટ્રેનમાં પ્રવાસીઓના મોબાઇલ ચોરનારી ત્રિપુટી પકડાઇ: 30 મોબાઇલ હસ્તગત
પોલીસના જણાવ્યા મુજબ થાણેમાં રહેતા એક સિનિયર સિટિઝનની ફરિયાદને આધારે તપાસ હાથ ધરાઈ હતી. પખવાડિયા પહેલાં ફરિયાદી કલ્યાણ સ્ટેશને આવીને જમાઈની રાહ જોતા હતા. પ્લૅટફોર્મ પર ઊભેલા ફરિયાદી પાસે બે શખસ આવ્યા હતા અને અમસ્તી વાતચીત શરૂ કરી હતી. થોડી વાર વાત કર્યા પછી ફરિયાદીનો વિશ્ર્વાસ સંપાદન કરી સોનાની વીંટી પડાવી હતી. પછી બન્ને ફરાર થઈ ગયા હતા.
કલ્યાણ જીઆરપીએ આ મામલે ગુનો નોંધી તપાસ હાથ ધરતાં તાજેતરમાં આવી જ ઘટના કુર્લા રેલવે સ્ટેશને બની હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસની ટીમે પ્લૅટફોર્મ પરના સીસીટીવી કૅમેરાનાં ફૂટેજ તપાસી ગુનામાં સંડોવાયેલા આરોપીઓની ઓળખ મેળવી હતી, એમ અધિકારીએ જણાવ્યું હતું. (પીટીઆઈ)