અકસ્માતમાં જખમી માળીને 18.6 લાખ રૂપિયાનું વળતર આપવાનો ટ્રિબ્યુનલનો આદેશ | મુંબઈ સમાચાર
આમચી મુંબઈ

અકસ્માતમાં જખમી માળીને 18.6 લાખ રૂપિયાનું વળતર આપવાનો ટ્રિબ્યુનલનો આદેશ

થાણે: મુંબઈ-ગોવા હાઈવે પર 2021માં માર્ગઅકસ્માતમાં ઘવાયેલા 61 વર્ષના માળીને 18.6 લાખ રૂપિયાનું વળતર ચૂકવવાનો આદેશ મોટર એક્સિડેન્ટ ક્લેઈમ્સ ટ્રિબ્યુનલે (એમએસીટી) આપ્યો હતો.

માળીકામ હાથેથી જ થાય છે અને હાથમાં ગંભીર ઇજાને કારણે માળી તેનું કામ કરી શકે એમ નથી. તેના હાથમાં 100 ટકા વિકલાંગતા આવી હોવાનું ટ્રિબ્યુનલે નોંધ્યું હતું. ટ્રિબ્યુનલના સભ્ય આર. વી. મોહિતેએ અકસ્માત માટે ટૅન્કરના ડ્રાઈવરને સંપૂર્ણપણે જવાબદાર ઠેરવ્યો હતો.

આપણ વાંચો: ચંદા કોચર-વીડિયોકોન કેસ: ટ્રિબ્યુનલે મની લોન્ડરિંગનો કેસ ગણાવ્યો, ફ્લેટ જપ્તી યથાવત્…

ઘટના 14 એપ્રિલ, 2021ના રોજ મુંબઈ-ગોવા હાઈવે પર પનવેલ નજીક બની હતી. તે સમયે 57 વર્ષનો દિલીપ દત્તુ પરબળકર જમાઈ સાથે બાઈક પર જઈ રહ્યો હતો ત્યારે પૂરપાટ વેગે આવેલા ટૅન્કરે બાઈકને ટક્કર મારી હતી.

બાઈક પર પાછળ બેસેલો પરબળકર જમીન પર પટકાવાને કારણે ગંભીર રીતે ઘવાયો હતો. તેના ડાબા હાથમાં કાયમી આંશિક વિકલાંગતા આવી હતી.

ગૅસ ટ્રાન્સપોર્ટેશન કંપનીના માલિક અને ડ્રાઈવરે એવી દલીલ કરી હતી કે બાઈક ચલાવનારની ભૂલ હતી. જોકે ટ્રિબ્યુનલને તેમનો દાવો અવિશ્ર્વસનીય જણાયો હતો.

ટ્રિબ્યુનલે એ પણ નોંધ્યું હતું કે ટૅન્કરના ડ્રાઈવર જોખમી સામાનનું પરિવહન કરવા માટે યોગ્ય લાઈસન્સ ધરાવતો નહોતો. (પીટીઆઈ)

Yogesh C Patel

દોઢ દાયકાથી મુંબઈ સમાચારમાં ક્રાઈમ રિપોર્ટિંગ કરે છે. પત્રકારત્વની કારકિર્દીમાં મહાપાલિકા અને કોર્ટ રિપોર્ટિંગ કરવાની સાથે તેમણે અનેક લેખો લખ્યા છે. આ ઉપરાંત, તેમણે ક્રાઈમ થ્રિલર ‘ડાર્ક સિક્રેટ’ નવલકથા પણ લખી છે. ડાયમંડ માર્કેટમાં બૉમ્બ બ્લાસ્ટ અને 26/11ના આતંકી હુમલા વખતે ઘટનાસ્થળેથી રિપોર્ટિંગ કરવા સાથે નવરાત્રિ જેવી સાંસ્કૃતિક ઇવેન્ટનું પણ… More »

સંબંધિત લેખો

Back to top button