આવતીકાલે થાણેમાં મેટ્રોની ટ્રાયલ રનઃ શિંદે જૂથ શક્તિપ્રદર્શન કરે તો ફડણવીસ સરપ્રાઈઝ આપે નવાઈ નહીં

મુંબઈઃ મુંબઈ સહિત મેટ્રો પોલિટન રિજનમાં મેટ્રોનું નેટવર્ક ધીમે ધીમે વિસ્તારવામાં આવી રહ્યું છે, જેમાં આગામી વર્ષોમાં થાણેમાં પણ મેટ્રોની કનેક્ટિવિટી વિસ્તરેલી જોવા મળી શકે છે. થાણે જિલ્લામાં ટ્રાફિક જામમાંથી રહેવાસીઓને રાહત આપવા માટે હાલમાં થાણે શહેરમાં મેટ્રો પ્રોજેક્ટ 4 (વડાલા-ઘાટકોપર-કાસરવડાવલી) અને મેટ્રો લાઇન 4A (કાસરવડાવલીથી ગાયમુખ) પર કામ ચાલી રહ્યું છે. મુંબઈ મેટ્રોપોલિટન રિજન ડેવલપમેન્ટ ઓથોરિટી (MMRDA)એ સોમવારે આ મેટ્રોનો ટ્રાયલ રન કરવાનો નિર્ણય લીધો છે.
આ પ્રોજેક્ટ થાણે અને મધ્ય રેલવે લાઇન પરના નજીકના ઉપનગરો માટે ખૂબ જ મહત્વપૂર્ણ હોવાથી, નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદે, ઓવલા માજીવાડા વિધાનસભા ક્ષેત્રના ધારાસભ્ય અને પરિવહન પ્રધાન પ્રતાપ સરનાઈક સાથે મળીને, શિંદે સેનાએ જોરદાર શક્તિ પ્રદર્શનની તૈયારી કરી હોવાની ચર્ચા છે.
એવું કહેવાય છે કે મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ પોતે પણ આ પરીક્ષણ માટે ઘોડબંદરના ગાયમુખ પટ્ટામાં હાજર રહેશે. આ પ્રોજેક્ટને એકનાથ શિંદેનો ‘ડ્રીમ પ્રોજેક્ટ’ માનવામાં આવે છે. ઓગસ્ટમાં, એકનાથ શિંદેએ જાહેરાત કરી હતી કે મેટ્રો ટેસ્ટ રન સપ્ટેમ્બરમાં યોજાશે.
આ પણ વાંચો : થાણેમાં મેટ્રો ગાડીના ડબ્બા ચઢયા પાટે : કેડબરી જંકશનથી ગાયમુખ પહેલા તબક્કાની મેટ્રો ટ્રાયલ સપ્ટેમ્બરથી શરૂ
ત્યાર બાદ MMRDAએ તેની પ્રવૃત્તિઓને વેગ આપ્યો. મેટ્રો લાઇન પર કોચ ચડાવવાનું કામ ઓગસ્ટના છેલ્લા અઠવાડિયામાં શરૂ થયું હતું. થોડા દિવસો પહેલા મેટ્રો લાઇન પર મેટ્રો ટ્રેન પણ તૈયાર થઈ ગઈ હતી. તેથી લોકોને આશા બંધાઈ કે ટૂંક સમયમાં હવે ટ્રેન દોડતી થશે. પહેલો તબક્કો પ્રતાપ સરનાઈકના વિધાનસભા ક્ષેત્રમાં હોવાથી તેઓ આની તૈયારીમાં ખાસ્સો ઉત્સાહ બતાવી રહ્યા છે.
દેવેન્દ્ર ફડણવીસ મુખ્ય પ્રધાન હતા ત્યારે થાણે મેટ્રો પ્રોજેક્ટની જાહેરાત કરવામાં આવી હતી. આ પ્રોજેક્ટનો શિલાન્યાસ સમારોહ પણ તેમના કાર્યકાળ દરમિયાન યોજાયો હતો. બાદમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીની હાજરીમાં થાણે-ભિવંડી-કલ્યાણ મેટ્રો પ્રોજેક્ટનો શિલાન્યાસ કરવામાં આવ્યો. તેથી, સ્થાનિક નેતાઓ આગ્રહપૂર્વક માંગ કરી રહ્યા હતા કે દેવેન્દ્ર ફડણવીસ આવતીકાલે યોજાનાર મેટ્રો પ્રોજેક્ટના ટેસ્ટ ડ્રાઇવ માટે થાણે આવે.
તેના મુજબ એવું માનવામાં આવે છે કે દેવેન્દ્ર ફડણવીસ પોતે પ્રોજેક્ટના ટેસ્ટ ડ્રાઇવ માટે ગાયમુખ વિસ્તારમાં હાજર રહેશે. જ્યારે થાણે મેટ્રો પ્રોજેક્ટની જાહેરાત કરવામાં આવી ત્યારે એકનાથ શિંદે જાહેર બાંધકામ વિભાગના પ્રધાન હતા. તેઓ થાણેના પાલક પ્રધાન પણ હતા.
આ પણ વાંચો : થાણેમાં મેટ્રોનો ટ્રાયલ રન સપ્ટેમ્બરમાં અને ડિસેમ્બર સુધીમાં શરૂ થવાની શક્યતા: શિંદે
સૂત્રોએ જણાવ્યું હતું કે ગાયમુખથી કેડબરી જંકશન સ્ટેશન સુધી મેટ્રો દોડશે ત્યારે શિંદે સાથે ફડણવીસ પણ હાજર રહેશે. જોકે, આ સમાચાર અંગે MMRDA તરફથી કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી.
નોંધનીય છે કે, આ બધી ઘમાઘમ વચ્ચે, મેટ્રો લાઇન શરુ થઇ રહી હોવા છતાં, થાણેમાં બનનારા કાર શેડનું કામ હજુ પૂર્ણ થયું નથી. એવું માનવામાં આવી રહ્યું છે કે આ કાર શેડને બનાવવામાં ઓછામાં ઓછો એક વર્ષનો સમય લાગશે.