આમચી મુંબઈ

વર્ચ્યુઅલ સ્ટોર્સમાં રોકાણ કરી યુવાને 1.17 કરોડ રૂપિયા ગુમાવ્યા

થાણે: ફેસબુક અને ટિકટોક જેવાં પ્લૅટફોર્મ્સ પર વર્ચ્યુઅલ સ્ટોર્સમાં રોકાણ કરવા લલચાવી સાયબર ફ્રોડ ટોળકીએ થાણેના યુવાન પાસેથી 1.17 કરોડ રૂપિયા પડાવ્યા હતા.

થાણે શહેરમાં રહેતા 39 વર્ષના ફરિયાદીએ આ મામલે વર્તક નગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદને આધારે પોલીસે મંગળવારે ત્રણ મહિલા સહિત ચાર જણ વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો.

આપણ વાચો: શૅર્સમાં રોકાણને નામે સિનિયર સિટીઝન સાથે 82 લાખ રૂપિયાનું સાયબર ફ્રોડ…

પોલીસના જણાવ્યા મુજબ ફરિયાદીને ફેસબુક ગ્રૂપમાં એડ કરવામાં આવ્યો હતો અને પછી ચોક્કસ લિંક્સ પૂરી પાડીને તેના મારફત ‘ફેસબુક શૉપ’ અને ‘ટિકટોક સ્ટોર’ ખોલવાનું કહેવામાં આવ્યું હતું. આ શૉપ અને સ્ટોર મારફત વેચાયેલી દરેક વસ્તુ પર પંદર ટકા કમિશનની ખાતરી ફરિયાદીને આપવામાં આવી હતી.

શરૂઆતમાં ફરિયાદીએ પચીસ હજાર રૂપિયાનું રોકાણ કર્યું હતું. આરોપીએ ફરિયાદીને લલચાવવા આ રકમ પર સારોએવો નફો થયો હોવાનું તેના ડિજિટલ વૉલેટ પર દર્શાવ્યું હતું, એમ અધિકારીએ જણાવ્યું હતું.

આપણ વાચો: દિલ્હી પોલીસે 100 કરોડના સાયબર ફ્રોડનો પર્દાફાશ કર્યો, આરોપીઓ નકલી પોલીસ બની લોકોને છેતરતા…

ઊંચા વળતરની લાલચમાં ફરિયાદીએ ગયા વર્ષે ઑક્ટોબરથી ડિસેમ્બર દરમિયાન 1.17 કરોડ રૂપિયા રોક્યા હતા. બાદમાં ફરિયાદીએ નફાની રકમ કઢાવવાનો પ્રયાસ કર્યો ત્યારે આ ફ્રોડ હોવાનું જણાયું હતું.

આરોપીઓએ ડિજિટલ વૉલેટનું વિથડ્રોઅલ બ્લૉક કરી દીધું હતું. આ માટે ‘તકલીફ’ને કારણે ફરિયાદીના સ્ટોર્સનું ‘રેટિંગ’ ડાઉન થયું હોવાનું કારણ આપવામાં આવ્યું હતું. તેને ફરી કાર્યાન્વિત કરવું હોય તો વધુ 31.15 લાખ રૂપિયાની માગણી કરવામાં આવી હતી.

આ પ્રકરણે ફરિયાદીએ પોલીસનો સંપર્ક સાધી ફરિયાદ નોંધાવી હતી. પોલીસ મોબાઈલ નંબરને ટ્રેક કરી રહી છે અને નાણાંની લેવડદેવડની પણ માહિતી ભેગી કરી રહી છે, એમ અધિકારીએ જણાવ્યું હતું. (પીટીઆઈ)

Yogesh C Patel

દોઢ દાયકાથી મુંબઈ સમાચારમાં ક્રાઈમ રિપોર્ટિંગ કરે છે. પત્રકારત્વની કારકિર્દીમાં મહાપાલિકા અને કોર્ટ રિપોર્ટિંગ કરવાની સાથે તેમણે અનેક લેખો લખ્યા છે. આ ઉપરાંત, તેમણે ક્રાઈમ થ્રિલર ‘ડાર્ક સિક્રેટ’ નવલકથા પણ લખી છે. ડાયમંડ માર્કેટમાં બૉમ્બ બ્લાસ્ટ અને 26/11ના આતંકી હુમલા વખતે ઘટનાસ્થળેથી રિપોર્ટિંગ કરવા સાથે નવરાત્રિ જેવી સાંસ્કૃતિક ઇવેન્ટનું પણ… More »

સંબંધિત લેખો

Back to top button