અકસ્માતમાં મૃત્યુ પામેલા યુવકના પરિવારને 52.65 લાખ વળતર ચૂકવવાનો આદેશ…

થાણે: થાણેમાં મોટર એક્સિડન્ટ ક્લેઇમ્સ ટ્રિબ્યુનલે (એમએસીટી) 2022માં માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામેલા યુવકના પરિવારને 52.65 લાખ રૂપિયા વળતર ચૂકવવાનો આદેશ આપ્યો છે.
મોંહમદ આઝમ કરીમુલ્લા 16 જાન્યુઆરી, 2022ના રોજ ટેમ્પો લઇને અંજુર-દિવે ગામ નજીકથી જઇ રહ્યો હતો ત્યારે પૂરપાટ વેગે આવનારી કારે ટેમ્પોને ટક્કર મારી હતી. આ અકસ્માતમાં મોહંમદ આઝમનું મોત થયું હતું.
એમએસીટીના સભ્ય આર.વી. મોહિતેએ એફઆઇઆર, સ્પોટ પંચનામું અને પોસ્ટમોર્ટમનો રિપોર્ટ સહિતના પુરાવા તપાસ્યા બાદ શુક્રવારે વળતરનો આદેશ આપ્યો હતો. એમએસીટીએ આદેશમાં જણાવ્યું હતું કે કારના ડ્રાઇવરની બેદરકારીને કારણે આ અકસ્માત થયો હતો, જે હાઇ સ્પીડને કારણે કાર પર કાબૂ રાખી શક્યો નહોતો.
મોહંમદ આઝમના પરિવારજનોએ એક કરોડ રૂપિયાના વળતરની માગણી કરી હતી, પણ મોહંમદ આઝમની પચીસ હજાર રૂપિયા માસિક આવકનું મૂલ્યાંકન કરીને એમએસીટીએ 52.65 લાખના વળતરનો આદેશ આપ્યો હતો. (પીટીઆઇ)
આ પણ વાંચો…અકસ્માતમાં ઘવાયેલી બે મહિલાને કુલ 11 લાખ વળતર ચૂકવવાનો આદેશ