લેડર વૅન પરથી પડીને મૃત્યુ પામેલા કર્મચારીને 23.92 લાખ રૂપિયાનું વળતર…

થાણે: 2019માં રસ્તા પરના ઈલેક્ટ્રિક વાયરના સમારકામ વખતે હાઈડ્રોલિક લેડર વૅન પરથી પડી જવાથી જીવ ગુમાવનારા કર્મચારીના વાલીઓને 23.92 લાખ રૂપિયાનું વળતર ચૂકવવાનો આદેશ થાણેની મોટર એક્સિડેન્ટ ક્લેઈમ્સ ટ્રિબ્યુનલે આપ્યો હતો.
ટ્રિબ્યુનલનાં પ્રમુખ અધિકારી રૂપાલી વી. મોહિતેએ આપેલા આદેશમાં વાહનના માલિકને જવાબદાર ઠરાવતાં અવલોકન કર્યું હતું કે સીડીનો સાંધ્યો તૂટ્યો તે દર્શાવે છે કે લેડર વૅન બરાબર કામ કરતી નહોતી અને તે બેદરકારીને કારણે જ દુર્ઘટના થઈ હતી.
આ ઘટના 19 એપ્રિલ, 2019ના રોજ થઈ હતી. મૃતક સૈયદ સાહિલ અબ્બાસ શહેનશાહ હુસેન અને સહકર્મચારી મેહતાબ શેખ થાણેના રાબોડી વિસ્તારમાં લેડર વૅન સાથે જોડાયેલી લિફ્ટિંગ બકેટમાં 20થી 22 ફૂટ ઊંચાઈ પર ઈલેક્ટ્રિક વાયરોનું સમારકામ કરતા હતા.
સમારકામ દરમિયાન સીડીનો સાંધો અચાનક તૂટી ગયો હતો, જેને પગલે બન્ને કર્મચારી નીચે પટકાયા હતા. માથામાં ગંભીર ઇજા સાથે હુસેનને પ્રથમ થાણેની સિવિલ હૉસ્પિટલમાં દાખલ કરાયો હતો. ત્યાંથી વાશીની એમજીએમ હૉસ્પિટલમાં ખસેડાયો હતો, જ્યાં 21 એપ્રિલ, 2019ના રોજ તેનું મૃત્યુ થયું હતું. આ પ્રકરણે રાબોડી પોલીસે કોન્ટ્રાક્ટર વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો.
વાહનની વીમા કંપનીએ દાવાનો વિરોધ કર્યો હતો. પૉલિસીની શરતોનું ઉલ્લંઘન કરાયું છે અને આ પ્રકરણ માટે યોગ્ય ફોરમ લેબર કોર્ટ છે. વાહનના ડ્રાઈવર પાસે પ્રમાણિત લાઈસન્સ નહોતું અને સુરક્ષાનાં પગલાંનું પાલન કરાયું નહોતું, એવી દલીલ પણ કરાઈ હતી.
જોકે ટ્રિબ્યુનલે આ બચાવને નકારી કાઢી અવલોકન કર્યું હતું કે વીમા કંપનીએ કોઈ સાક્ષીદારની તપાસ કરી નહીં કે પૉલિસીનું ઉલ્લંઘન થયું હોવાનું સિદ્ધ કરતા કોઈ દસ્તાવેજી પુરાવા પણ રજૂ કર્યા નથી. આવકના કોઈ પુરાવા ન હોવાથી ટ્રિબ્યુનલે હુસેનની મહિનાની આવક 15 હજાર રૂપિયા ધ્યાનમાં લીધી હતી.
તેના વાલીઓને વાર્ષિક નવ ટકા વ્યાજ સાથે 23.92 લાખ રૂપિયાનું વળતર ચૂકવવાનો આદેશ આપ્યો હતો. વાહન માલિક અને વીમા કંપનીએ સંયુક્ત રીતે આ વળતર ચૂકવવાનું રહેશે. (પીટીઆઈ)



