થાણે લોકઅદાલતે 2025માં 3.07 લાખ કેસનો નિવેડો લાવી 754.85 કરોડનું વળતર અપાવ્યું

થાણે: થાણે લોકઅદાલતે વીતેલા વર્ષમાં 3,07,255 કેસનો નિવેડો લાવી 754.85 કરોડ રૂપિયાનું વળતર અપાવ્યું હોવાનું એક અધિકારીએ ગુરુવારે જણાવ્યું હતું.
કોર્ટોમાં સમજૂતી અને સમાધાન માટે પડતર અને જેની સુનાવણી હજુ ચાલુ ન થઈ હોય તેવાં પ્રકરણોની ઝડપી અને સસ્તી પતાવટ માટે વૈકલ્પિક નિવારણ પ્રણાલી એટલે લોકઅદાલત છે. લોકઅદાલતના આદેશોને નાગરી કોર્ટનો દરજ્જો આપવામાં આવ્યો છે.
એક વર્ષમાં 754 કરોડથી વધુ રૂપિયાની પતાવટ સિદ્ધ કરે છે કે લોકઅદાલત હવે માત્ર વિકલ્પ નથી, પણ આપણી ન્યાયપ્રણાલીનો પાયો છે, એમ ડિસ્ટ્રિક્ટ લિગલ સર્વિસીસ ઑથોરિટી (ડીએલએસએ)ના સેક્રેટરી આર. એસ. પાજણકરે જણાવ્યું હતું.
આપણ વાચો: માર્ગ અકસ્માતમાં મૃત્યુ: લોકઅદાલતે અપાવ્યું ૨.૨ કરોડનું વળતર
બૅન્ક રિકવરીઝ, ચેક બાઉન્સ કેસો અને મોટર એક્સિડેન્ટ ક્લેઈમ્સ સહિતના નાણાકીય અને વસૂલીના મામલા સમાધાન માટે વધુ આવ્યા હોવાનું જોવા મળ્યું હતું, એમ અધિકારીએ જણાવ્યું હતું.
બૅન્કની વસૂલી અને એમએસીટી (મોટર એક્સિડેન્ટ ક્લેઈમ્સ ટ્રિબ્યુનલ) જેવાં પ્રકરણોમાં સમય મહત્ત્વપૂર્ણ હોય છે. અકસ્માત પીડિતોને 117 કરોડ રૂપિયાનું વળતર આપીને અને બૅન્કિંગ ક્ષેત્ર માટે લગભગ 166 કરોડ રૂપિયાની વસૂલીનો માર્ગ મોકળો થયો હતો. (પીટીઆઈ)



