47.32 કરોડ રૂપિયાના જીએસટી ક્રેડિટ ફ્રોડમાં વેપારીની ધરપકડ

થાણે: થાણેમાં 47.32 કરોડ રૂપિયાના જીએસટી (ગૂડ્સ ઍન્ડ સર્વિસ ટૅક્સ) ક્રેડિટ ફ્રોડમાં કથિત ભૂમિકા બદલ વેપારીની ધરપકડ કરવામાં આવી હતી.
સેન્ટ્રલ જીએસટીના થાણે કમિશનરેટ દ્વારા જારી કરાયેલી એક અખબારી યાદીમાં જણાવ્યા અનુસાર આંતરિક સ્તરે વિકસિત ઈન્ટેલિજન્સ અને એડ્વાન્સ ડેટા એનાલિસીસ ટૂલ્સનો ઉપયોગ કરીને આ ફ્રોડ શોધી કાઢવામાં આવ્યું હતું.
તપાસમાં જણાયું હતું કે વિવેક રાજેશ મૌર્યા દ્વારા ચલાવવામાં આવતી મેસર્સ કેએસએમ એન્ટરપ્રાઈઝીસ મારફત માલ અથવા સેવાઓનો વાસ્તવમાં પુરવઠો કર્યા વિના છેતરપિંડીથી આઈટીસીનો દાવો કરાયો હતો અને લાભ લેવામાં આવ્યો હતો.
આપણ વાંચો: સુરત સાયબર ફ્રોડ કેસ: ₹1550 કરોડના કૌભાંડમાં 1.50 લાખ પાનાની ચાર્જશીટ દાખલ
અધિકારીના જણાવ્યા પ્રમાણે મૌર્યાના નિવાસસ્થાને ‘સર્ચ’ કરવામાં આવતાં બૅન્ક પાસબુક, ચેકબુક, મોબાઈલ ફોન અને અનેક છેતરામણી કંપનીઓ સાથે સંકળાયેલા દસ્તાવેજો સહિત ‘વાંધાજનક’ પુરાવા હસ્તગત કરાયા હતા.
આ મામલે 19 ઑગસ્ટે મૌર્યાની ધરપકડ કરવામાં આવી હતી. તેને જ્યુડિશિયલ મૅજિસ્ટ્રેટ સમક્ષ હાજર કરવામાં આવ્યો હતો. મૅજિસ્ટ્રેટે તેને 14 દિવસની અદાલતી કસ્ટડીમાં રાખવાનો આદેશ આપ્યો હતો. આ પ્રકરણે વધુ તપાસ ચાલી રહી હોવાથી વધુ નામ સામે આવવાની શક્યતા અધિકારીએ વ્યક્ત કરી હતી. (પીટીઆઈ)