થાણેના ગોદામમાંથી 51 લાખની મતા ચોરાઈ…

થાણે: થાણેમાં બંધ ગોદામનું શટર તોડી ચોર વિદેશી અને ભારતીય બનાવટની સિગારેટ્સ, ગણપતિ અને લક્ષ્મીજીની ચાંદીની મૂર્તિઓ મળી અંદાજે 51 લાખ રૂપિયાની મતા ચોરી ફરાર થઈ ગયા હતા.રાબોડી પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું હતું કે ઘટના થાણેના ખોપટ વિસ્તારમાં 14 જુલાઈની રાતે બની હતી. 15 જુલાઈની સવારે વિતરક કંપનીના કર્મચારીઓ આવ્યા ત્યારે ગોદામનું શટર તૂટેલું હતું અને સામાન અસ્તવ્યસ્ત હોવાનું નજરે પડ્યું હતું.
પોલીસ ફરિયાદ અનુસાર શટર તોડીને ચોર ગોદામમાં ઘૂસ્યા હતા. ગોદામમાંથી વિદેશી અને ભારતીય બ્રાન્ડની સિગારેટ્સ, ડીવીઆર સિસ્ટમ, 1.2 લાખની રોકડ અને એક લાખ રૂપિયાની ગણપતિ અને લક્ષ્મીજીની ચાંદીની બે મૂર્તિ ચોરાઈ હતી. અંદાજે 51.16 લાખ રૂપિયાની મતા ચોરાઈ હોવાનું ફરિયાદમાં જણાવાયું હતું.
આ પ્રકરણે ગોદામ સંભાળતા વિતરકની ફરિયાદને આધારે અજાણ્યા શખસો વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ 305(એ) અને 331(2) હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. આ પ્રકરણે વધુ તપાસ કરવામાં આવી રહી હોવાનું પોલીસે જણાવ્યું હતું. (પીટીઆઈ)