કન્સ્ટ્રકશન સાઈટ નજીકથી સગીરાનોમૃતદેહ મળ્યો: પોલીસને હત્યાની શંકા…

થાણે: થાણેમાં કન્સ્ટ્રકશન સાઈટ નજીકથી સગીરાનો મૃતદેહ મળી આવતાં તેની હત્યા કરાઈ હોવાની શક્યતા પોલીસે વ્યક્ત કરી હતી. આ પ્રકરણે પોલીસે અજાણી વ્યક્તિ વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી સગીરાની ઓળખ મેળવવાના પ્રયાસ હાથ ધર્યા હતા.
પોલીસના જણાવ્યા મુજબ કાસારવડવલી વિસ્તારમાંથી શનિવારે બપોરે સગીરાનો મૃતદેહ મળ્યો હતો. એક કન્સ્ટ્રકશન સાઈટ નજીક રસ્તા પર પડેલા સગીરાના મૃતદેહ પર રાહદારીઓની નજર પડતાં પોલીસ કંટ્રોલ રૂમને જાણ કરાઈ હતી. સગીરાના ગળા ફરતે કપડું વીંટાળેલું હોવાનું કંટ્રોલ રૂમના અધિકારીએ જણાવ્યું હતું.
માહિતી મળતાં જ કાસારવડવલી પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. અંદાજે 17 વર્ષની સગીરાની ચારેક ફૂટની ઊંચાઈ છે. લીલા રંગના સલવાર-કુરતા પહેરેલી સગીરાના હાથમાં બંગડીઓ પણ છે. જોકે તાત્કાલિક સગીરાની ઓળખ થઈ શકી નહોતી.
પોલીસે સગીરાના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સરકારી હૉસ્પિટલમાં મોકલી આપ્યો હતો. ઓળખ મેળવવા તેની તસવીર દરેક પોલીસ સ્ટેશનોમાં મોકલવામાં આવી હતી. કાસારવડવલી પોલીસે ભારતીય ન્યાય સંહિતાની કલમ 103(1) (હત્યા) અને 238 (પુરાવાનો નાશ) હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. થાણે ક્રાઈમ બ્રાન્ચ પણ આ મામલે તપાસ કરી રહી હોવાનું અધિકારીએ જણાવ્યું હતું. (પીટીઆઈ)